×
GujaratAhmedabadCrime

અમદાવાદના નિકોલમાં જવેલર્સના શોરૂમમાં ચોરી કરનાર હર્ષિદા પકડાઈ, ચોરીનું કારણ પણ ગજબ

Ahmedabadના નિકોલ વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સ શોરૂમમાં 11 મે, 2026ના રોજ થયેલી ₹1.66 કરોડના સોનાના દાગીનાની ચોરીના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટીએ પોતાના બોયફ્રેન્ડ સાથે નવી જિંદગી શરૂ કરવાની લાલચમાં આ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે બાદમાં બોયફ્રેન્ડે જ તેને દગો આપતા દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.

Ahmedabad Crime Branchએ હર્ષિદાની ધરપકડ માણેકચોક વિસ્તારમાંથી કરી હતી, જ્યારે તે ચોરીના દાગીના વેચવા પહોંચી હતી. ત્યારબાદ પોલીસે તેના બોયફ્રેન્ડને પણ ઝડપી લીધો છે. બંને પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ “આભૂષણ” નામનો સોના-ચાંદીનો શોરૂમ ચલાવે છે. અહીં મેનેજર, સેલ્સમેન અને માર્કેટિંગ સહિત કુલ 19 કર્મચારીઓ કામ કરતા હતા. લગભગ 11 મહિના પહેલા હર્ષિદા શેટ્ટી સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હતી.

11 મેના રોજ સાંજે લગભગ 5 વાગ્યે શોરૂમ માલિક દર્શનભાઈ પરત ફર્યા ત્યારે એક ગ્રાહક માટે ટ્રે કાઢતા સ્ટાફને સોનાની લકી ઓછી જણાઈ હતી. તપાસ દરમિયાન હર્ષિદા પણ ગાયબ હોવાનું સામે આવ્યું. સ્ટાફે જણાવ્યું કે તે “ઇમરજન્સી કામ” કહીને 4:30 વાગ્યે નીકળી ગઈ હતી. જોકે માલિકે કોઈ રજા મંજૂર કરી નહોતી.

CCTV ફૂટેજ તપાસતા હર્ષિદા કબાટમાંથી સોનાના દાગીના કાઢીને ખિસ્સામાં મુક્તી જોવા મળી હતી. ત્યારબાદ તે બીજા માળે આવેલા સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમમાંથી નીકળી ગઈ હતી. તપાસ દરમિયાન સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ સહિત કુલ ₹1.66 કરોડના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે હર્ષિદા માણેકચોકમાં દાગીના વેચવા આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેની પાસેથી આશરે ₹18 લાખના દાગીના મળી આવ્યા હતા. બાકીના દાગીના અંગે પૂછતાં હર્ષિદાએ સમગ્ર કાવતરાનો ખુલાસો કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે ચોરી બાદ હર્ષિદા પોતાના બોયફ્રેન્ડ સાથે ઉત્તર ભારતના અલગ-અલગ રાજ્યોમાં રહી હતી. બંને ચોરીના દાગીના સાથે લઈને ફરતા હતા. જોકે એક દિવસ હર્ષિદા નાહવા ગઈ ત્યારે બોયફ્રેન્ડ ₹18 લાખના દાગીના છોડીને બાકીના તમામ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. હર્ષિદાએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતાં તેનો ફોન બંધ આવતો હતો.

પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો કે હર્ષિદાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા અને બાદમાં છૂટાછેડા થયા હતા. છેલ્લા 6 મહિનાથી તેનો એક પરિણીત યુવક સાથે સંપર્ક થયો હતો. યુવકને સંતાનો હોવા છતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવકે સાથે રહીને સેટલ થવાની વાતો કરતા હર્ષિદા તેની લાગણીઓમાં વહેતી થઈ ગઈ હતી અને અંતે શોરૂમમાંથી કરોડોની ચોરી કરી હતી. જોકે અંતે બોયફ્રેન્ડે પણ તેને દગો આપ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે હર્ષિદાની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે Nikol Police Stationને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે