અમદાવાદ જેવા ઝડપી વિકસતા મેટ્રો શહેરમાં પોતાનું ઘર હોવું દરેક મધ્યમવર્ગીય પરિવારનું મોટું સપનું હોય છે. પરંતુ સતત વધી રહેલા જમીનના ભાવ અને મોંઘા થતા બાંધકામને કારણે સામાન્ય માણસ માટે ઘર ખરીદવું મુશ્કેલ બન્યું છે. હવે અમદાવાદમાં ઓછા ખર્ચે ઘર મેળવવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં 7 હજારથી વધુ આવાસો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
AMC દ્વારા નિકોલ, શીલજ, ઓઢવ, મોટેરા, કોતરપુર અને સરખેજ-મકરબા સહિતના વિસ્તારોમાં કુલ 7,825 આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરની માહિતી મુજબ આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન 2026 નક્કી કરવામાં આવી છે.
યોજનાના અંતર્ગત બનનારા આવાસો અંદાજે 28 ચો.મી. કાર્પેટ એરિયા અને 33થી 35 ચો.મી. બિલ્ટઅપ એરિયા ધરાવતા હશે. દરેક મકાનનો અંદાજિત ખર્ચ આશરે ₹6 લાખ ગણાયો છે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાય બાદ લાભાર્થીને આ મકાન અંદાજે ₹3 લાખમાં ફાળવવામાં આવશે.આ યોજના PMAYના વિવિધ ઘટકો જેમ કે AHP, BLC, CLSS અને ISSR હેઠળ અમલમાં મૂકવામાં આવી રહી છે. લાભાર્થીને આ પૈકી માત્ર એક જ યોજના હેઠળ સહાય મળી શકશે.
મેન્ટેનન્સ ડિપોઝિટ તરીકે પોઝેશન પહેલાં ₹30,000 અલગથી ભરવાના રહેશે. ઉપરાંત પાણી પુરવઠો, ગટરલાઇન જેવી મૂળભૂત સુવિધાઓ AMC દ્વારા આપવામાં આવશે. જ્યાં વધુ આવાસો હશે ત્યાં આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, તાલીમ કેન્દ્ર અને બાળકો માટે રમથળ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે.
અરજી માટે જરૂરી દસ્તાવેજો:અરજી કરતી વખતે અરજદારે બેન્ક એકાઉન્ટનો કેન્સલ ચેક અથવા પાસબુકની નકલ ફરજીયાત આપવાની રહેશે. રિઝર્વ કેટેગરીના અરજદારોએ જાતિ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, જ્યારે દિવ્યાંગ અરજદારે 40% અથવા તેથી વધુ વિકલાંગતાનું સર્ટિફિકેટ આપવું ફરજીયાત રહેશે.
અરજી સાથે ₹7,500 ડિપોઝિટ ભરવાની રહેશે. ડ્રોમાં પસંદગી થયા બાદ મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રૂપિયા ત્રણ મહિનાની અંદર ભરવાના રહેશે. બાકીની 80% રકમ 10 હપ્તામાં AMCમાં જમા કરાવવાની રહેશે.યોજનાનો લાભ લેવા માટે કુટુંબની કુલ વાર્ષિક આવક ₹3 લાખથી વધુ ન હોવી જોઈએ. અરજી કરતી તારીખ સુધી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 17 વર્ષ પૂર્ણ થયેલી હોવી જરૂરી છે.
AMCએ સ્પષ્ટ કર્યું છે કે મકાનની સંપૂર્ણ ચુકવણી અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ લાભાર્થીને મકાનનો કબ્જો સોંપવામાં આવશે.આ યોજના અમદાવાદના હજારો મધ્યમવર્ગીય અને આર્થિક રીતે નબળા પરિવારો માટે પોતાના ઘરનું સપનું પૂરું કરવાની મોટી તક સાબિત થઈ શકે છે. અરજદારો AMCની સત્તાવાર વેબસાઇટ housingapplicationform.ahmedabadcity.gov.in પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.