×
Advertisement
GujaratVadodara

15 દિવસના પુત્રનું મોઢું જોવે તે પહેલા યુવકનું મોત, નર્મદા નદીમાં નહાવા પડેલા 3 યુવકો ડૂબ્યા

ઉનાળાની રજાઓ દરમિયાન પિકનિક સ્પોટ તરીકે લોકપ્રિય બનેલા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં નાહવા ગયેલા પાંચ યુવકોમાંથી ત્રણ યુવકો અચાનક ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. જેમાં બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકને સ્થાનિક લોકોએ સમયસર બચાવી લીધો હતો.

મળતી માહિતી મુજબ, રબારી સમાજના પાંચ યુવકો નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં ત્રણ યુવકો ગરકાવ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને એક યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જોકે અન્ય બે યુવકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા. બાદમાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી. લાંબી શોધખોળ બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મૃતકોની ઓળખ સાગર પીરાભાઈ રબારી (ઉંમર 25 વર્ષ) અને જયરામ બિજલાજી રબારી (ઉંમર 15 વર્ષ) તરીકે થઈ છે. બંને હાલ ડભોઈ તાલુકાના કરમાલ ગામમાં રહેતા હતા અને મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના વતની હતા. બંને પિતરાઈ ભાઈઓના એકસાથે મોત થતાં સમગ્ર પરિવાર અને રબારી સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે.

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.મૃતક સાગર રબારી કરમાલ ગામમાં બુટ-ચપ્પલની દુકાન ચલાવતો હતો. તેનો પિતરાઈ ભાઈ જયરામ વેકેશન માણવા માટે તેના ઘરે આવ્યો હતો. બંને મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા ગયા હતા, જ્યાં આ દુર્ઘટના બની હતી.

પરિવાર માટે વધુ દુઃખદ વાત એ છે કે સાગર રબારી પરિણીત હતો અને માત્ર 15 દિવસ પહેલાં જ તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. પોતાના નવજાત પુત્રનું મોઢું પણ ન જોઈ શકેલા સાગરના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બંને મૃતકોના અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહને ધાનેરા લઈ જવામાં આવ્યા હતા.