
અમદાવાદમાં અતિભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે અનેક બંગલાઓ અને રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ઠેર-ઠેર ટ્રાફિક જામ લાગતાં હજારો વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર ફસાયા હતા. પેલેડિયમ મોલ નજીક મુખ્યમંત્રીનો કાફલો પણ થોડા સમય માટે ટ્રાફિકમાં અટવાઈ ગયો હતો. જોકે, રાત્રે લગભગ 10 વાગ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું હતું.
2010નો વરસાદનો રેકોર્ડ તૂટ્યો, માત્ર 15 કલાકમાં 11 ઇંચ વરસાદ
અમદાવાદમાં વર્ષ 2010ના 8 ઓગસ્ટે 24 કલાકમાં સરેરાશ 9.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે, 23 જુલાઈ, 2026ના રોજ માત્ર 15 કલાકમાં જ આ રેકોર્ડ તૂટી ગયો છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શહેરમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે અમદાવાદમાં આખી સિઝનમાં 35થી 40 ઇંચ જેટલો વરસાદ પડે છે. એટલે કે એક જ દિવસમાં સિઝનના અંદાજે 30 ટકા જેટલો વરસાદ વરસી ગયો.
સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે, બોપલ, સરખેજ સહિતના પોશ વિસ્તારોમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વાસણા બેરેજમાં પાણીની આવક વધતાં તેના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. આ દરમિયાન થલતેજ મેટ્રો સ્ટેશન નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદ વરસ્યો હતો. તેમાં બોપલ અને સરખેજ વિસ્તારમાં સૌથી વધુ 16થી 17 ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી હતી અને અનેક સ્થળોએ લોકો ફસાઈ ગયા હતા.
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદની તમામ શાળાઓમાં 24 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે શહેર માટે સવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પણ નાગરિકોને ખૂબ જ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું છે કે 24 જુલાઈએ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેથી નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી, બાળકો અને વડીલોને ઘરમાં જ રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હોવાથી ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.