
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓને સંબોધીને વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પેપર લીક જેવી ઘટનાઓ કોઈ સામાન્ય બાબત નથી અને આવી ગેરરીતિઓ સામે સરકાર હવે વધુ કડક વલણ અપનાવશે. તેમણે જણાવ્યું કે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના અને દોષિતોને કડક સજા આપવાની જોગવાઈ ધરાવતો પ્રસ્તાવ શુક્રવારની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ આગામી અઠવાડિયે સંસદમાં સંબંધિત બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
મોદીએ જણાવ્યું કે પેપર લીકની ઘટનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ભારે માનસિક આઘાત પહોંચ્યો છે. છેલ્લા અઢી મહિનામાં સરકાર દ્વારા અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ જેલમાં છે.
તેમણે કહ્યું કે સરકારની સૌથી મોટી જવાબદારી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહીં તેની હતી. તેથી ટૂંકા સમયમાં ફરી પરીક્ષા યોજવામાં આવી અને લગભગ 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા સફળતાપૂર્વક લેવામાં આવી. ઉપરાંત, 19 જુલાઈએ NEETનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે સરકાર માત્ર આટલાથી સંતોષ માનવાની નથી. તેમણે કહ્યું કે ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈઓ ધરાવતો કાયદાનો ડ્રાફ્ટ તેમને ગુરુવારે મોડી રાત્રે મળ્યો છે. આ પ્રસ્તાવ પર શુક્રવારે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સોમવારથી સંસદના બીજા સપ્તાહની કાર્યવાહી શરૂ થઈ રહી છે, તેથી સરકાર આ બિલને શક્ય તેટલી વહેલી તકે બંને ગૃહોમાંથી પસાર કરાવવાનો પ્રયાસ કરશે.
NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુવારે મહત્વનો વહીવટી ફેરફાર કર્યો છે. વરિષ્ઠ IAS અધિકારી નરેશ ગંગવારને નવા શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વિનીત જોશીનું સ્થાન લેશે.રાજસ્થાન કેડરના 1994 બેચના IAS અધિકારી નરેશ ગંગવાર અગાઉ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમની નિમણૂક શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે.
ગંગવારે પોતાની વહીવટી કારકિર્દી દરમિયાન રાજસ્થાન સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. તેઓ રાજસ્થાનમાં પ્રિન્સિપલ સેક્રેટરી તેમજ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ કાર્યરત રહ્યા હતા. તે દરમિયાન તેમણે પ્રદૂષણ નિયંત્રણ અને જોખમી પદાર્થોના સંચાલન જેવા મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી હતી.
જોકે, કેન્દ્ર સરકારે આ વહીવટી ફેરબદલ પાછળનું કોઈ સત્તાવાર કારણ જાહેર કર્યું નથી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે NEET પરીક્ષામાં થયેલી કથિત ગડબડોને લઈને વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા જવાબદારી નક્કી કરવા તથા પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલુ છે.