GujaratAhmedabadBjpCongressPolitics

અમદાવાદમાં મેયરને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો બાટલો ફાટ્યો

અમદાવાદમાં 23 જુલાઈએ પડેલા અતિભારે વરસાદ બાદ બોપલ, ઘુમા અને શેલા વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. ભારે વરસાદને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થયો નથી. આ વચ્ચે આજે અમદાવાદના મેયર હિતેષ બારોટે બોપલ ગામની મુલાકાત લેતાં સ્થાનિક રહેવાસીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ તેમનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

મુલાકાત દરમિયાન સ્થાનિકોએ પાણી ભરાવાની સમસ્યા, પીવાના પાણીની અછત અને વહીવટી તંત્રની કામગીરી અંગે મેયરને સવાલો પૂછ્યા હતા. જોકે, મેયર હિતેષ બારોટે જણાવ્યું હતું કે ઉગ્ર વિરોધ કરનાર વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર હતો અને સ્થાનિક રહેવાસીઓને કોઈ મુશ્કેલી નથી. તેમણે કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા સતત પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે.

ભારે વરસાદના કારણે બોપલ, ઘુમા સહિતના અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. બોપલ ગામના ઠાકોરવાસ, પરમારવાસ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે. પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક પરિવારોને ખાવા-પીવાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી જતાં ફર્નિચર, ઘરવખરી અને અન્ય કિંમતી સામાનને મોટું નુકસાન થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘટના બાદ ત્રણ દિવસ સુધી કોઈ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિએ વિસ્તારની મુલાકાત લીધી નહોતી. જેના કારણે કેટલાક લોકોએ મુખ્યમંત્રીને પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અપીલ કરી છે.

બોટના સહારે જીવન જીવવાની ફરજ

વિસ્તારની સ્થિતિ એટલી ગંભીર બની હતી કે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો હતો. અસરગ્રસ્ત પરિવારોને ખોરાક અને જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે પણ બોટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

કોંગ્રેસનો તંત્ર સામે આક્ષેપ

કોંગ્રેસના થલતેજ વોર્ડ પ્રમુખ સુરેશ વિહોલે જણાવ્યું હતું કે સ્થાનિકોએ પાણી ભરાવાની ગંભીર સમસ્યા અંગે તેમને જાણ કરતાં તેઓ મોડી રાત્રે જ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી થઈ રહી ન હોવાથી મેયરને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્તારની સ્થિતિ એટલી ગંભીર હતી કે લોકોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ નહોતું અને ભોજન લેવા માટે પણ બોટની મદદ લેવી પડી રહી હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે બેઝમેન્ટમાંથી પાણી કાઢવાને બદલે સૌપ્રથમ રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે. આ રજૂઆત બાદ મેયર હિતેષ બારોટ આજે સવારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.