અભિનેતા અને પ્રોડ્યુસર સોહન માસ્તર અને તેના પરિવાર સામે હરણી પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પરિણીતા દ્વારા સોહન માસ્તર અને તેના પરિવારજનો પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લગ્ન સમયે 45 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને કાર આપવામાં આવી હોવા છતાં પતિ અને તેના પરિવારજનો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. હાલ પોલીસ દ્વારા પરિણીતાની ફરિયાદ ના આધારે પતિ સોહન રાજેન્દ્રભાઇ માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિઠ્ઠલભાઈ માસ્તર સામે ગુનો દાખલ કરી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
જાણકારી મુજબ, સુરતના VIP રોડ પર રેનર પરિણીતા દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જુલાઈ 2019 ના રોજ સોહન માસ્તર અને તેમના સંબંધીઓ મને ઘરે જોવા માટે આવ્યા હતા. ત્યાર બાદ બંનેના પરિવાર દ્વારા અમારા લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમારી સગાઈ થઈ હતી અને તા.28/11/2019 ના રોજ અમારા લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
તેની સાથે અમારા લગ્ન નક્કી થયા પછી સોહન માસ્તર દ્વારા મને જણાવવામાં આવ્યું હતું કે, મારું અત્યારે સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે, તેના લીધે લગ્નના ફોટા બહાર પાડવા નહીં અને તું મારી પત્ની છું તેવું કોઈને કહેવાનું તે નક્કી કરવામાં આવ્યું હતું. કારણ કે તેના લીધા મારી સિરિયલ પર અસર પડી શકશે. તેના લીધે મેં તેમની વાત માની લીધી હતી. ત્યાર બાદ તે મને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં દર્શન માટે લઈ ગયા હતા, જ્યાં તેમના દ્વારા અગાઉથી જ લગ્નની તૈયારીઓ કરી લેવામાં આવી હતી. આ મંદિરમાં જ અમારા લગ્ન કરાયા હતા.લગ્ન ની તસ્વીર પણ પાડવા દેવામાં આવી નહોતી.
આ સિવાય લગ્ન પછી તેઓ મને કોઈ સગા-સંબંધીઓ ના ઘરે પણ લઈને જતા નહોતા, મારી સાથે મારઝૂડ પણ કરતા રહેતા હતા. મારા પિતાએ લગ્ન સમયે 45 તોલા સોનું, કાર અને ચાંદીના દાગીના આપ્યા હોવા છતાં મને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. મને પ્રેગ્નન્સી રહેતા મારા પતિ સોહન માસ્ટર મને મારા પિતાના ઘરે છોડીને ચાલ્યા ગયા હતા. હું છેલ્લા 2 વર્ષથી પિયરમાં છું, મેં અનેક વખત તેમને ફોન કર્યા પરંતુ તે ઉપાડતા નથી. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદના આધારે મહિલાના પતિ સોહન માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિઠ્ઠલભાઇ માસ્તર સામે કાર્યવાહી શરુ કરી છે.