GujaratSouth GujaratSurat

છૂટાછેડા લીધેલ મહિલાએ મેટ્રોમોનિયલ સાઇટ પર પ્રોફાઈલ બનાવી અને પછી…

આજકાલ લગ્ન કરવા માટે ઘણી મેટ્રોમોનિયલ સાઇટ બજારમાં આવી છે. અને ઘણા લોકોના આ મેટ્રોમોનિયલ સાઇટ પરથી સબંધ પણ થયા છે. પરંતુ મેટ્રિમોનિયલ સાઇટ પર ઘણી વખત લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરવી ભારે પડતી હોય છે. આવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક છૂટાછેડા લીધેલ મહિલાએ બીજા લગ્ન કરવા માટે મેટ્રોમોનિયલ સાઇટ પર પ્રોફાઈલ બનાવીને હરિયાણાના એક યુવક સાથે વાતચીત શરૂ કરી હતી. અને બાદમાં આ યુવકે સુરત આવીને મહિલા સાથે મુલાકાત કરી અને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને બાદમાં આ યુવકે લગ્ન કરવાની ના પડી દિધી હતી. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરની છૂટાછેડા લીધેલ એક 36 વર્ષની ઉંમરની મહિલાએ બીજા લગ્ન કરવા માટે એક મેટ્રીમોનિયલ સાઈટ પર પોતાની પ્રોફાઈલ તૈયાર કરી હતી. અને બાદમાં હરિયાણાના વતની અને હાલ દિલ્હીમાં વસવાટ કરતા રાજીવ બંસીલાલ ચોપરા સાથે આ મહિલાની વાતચીત શરૂ થઈ હતી. આ બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ સંબંધો બંધાયા હતા. રાજીવે લગ્ન કરવાનું વચન પણ મહિલાને આપ્યું હતું. અને બાદમાં તે મહિલા સાથે મુલાકાત કરવા માટે સુરત આવ્યો હતો. પ્રથમ મુલાકાતમાં જ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. રાજીવે આ રીતે લગ્નની લાલચ આપીને સતત એક વર્ષ સુધી આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા તેમજ તેણે પૈસાની જરૂર છે તેમ કહીને મહિલા પાસેથી કુલ 2.91 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. જો કે, રાજીવ એક વર્ષ પછી લગ્ન કરવાની ના પાડી દેતા મહિલાને પોતે છેતરપીંડીનો ભોગ બની હોવાનો અહેસાસ થયો હતો.

નોંધનીય છે કે, રાજીવે લગ્નની લાલચ આપીને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા તેમજ પૈસા પણ લઈ લીધા અને હવે લગ્ન કરવાની ના પાડે છે ત્યારે મહિલાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.