પાકિસ્તાનની જેલમાંથી છૂટીને ઘરે પરત ફરેલ માછીમાર યુવકે જણાવી પોતાની આપવીતી

ગુજરાતના માછીમારો માછીમારી કરવા જાય ત્યારે ઘણી વખત પાકિસ્તાન સરહદ પર તેમની ધરપકડ કરી લેવામાં આવતી હોય છે. ત્યારે આવો આજે આપણે નવસારીના આ માછીમાર યુવક વિશે જાણીએ જે માછીમારી કરતા કરતા પાકિસ્તાનની સરહદ પર પહોંચી ગયો અને પછી પાકિસ્તાને તેની ધરપકડ કરી લીધી અને 5 વર્ષે છૂટો થયો.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મિર્ઝાપુર ગામે વસવાટ કરતા જીતુ અશોક રાઠોડે જણાવ્યું કે, યુવકે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ઓખાના દરિયામાં અમે 9 લોકો માછી પકડવા માટે ગયા હતા. જ્યાં અજાણતા જ અમે પાકિસ્તાની દરિયાઈ સરહદમાં પ્રવેશ કરી લીધી હતો. જેથી પાકિસ્તાની નેવીના જવાનોએ અમારા સૌની ધરપકડ કરીને અમને 2-4 લાફા મારી દીધા અને ત્યાર પછી પાકિસ્તાનના દરિયાકાંઠેથી લઈ જઈને અમને સૌને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
પાંચ વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં રહ્યા પછી આજે મારો છુટકારો થયો છે તે બદલ હું ભગવાનનો હું આભાર માનું છુ. અને હવે હું ક્યારેય પણ માછીમારી કરવા માટે નહીં જઉ. અને આ જીવન ખેતી કરીને જીવીશ.
ઉલ્લેખનીય છે કે, જીતુ રાઠોડે અનેક વખત તેના પરિવારને પાકિસ્તાની જેલમાંથી પત્ર લખવાનો પ્રયત્ન કર્યો પણ તેના પરિવારને કોઈ કારણોસર તે પત્ર મળી શક્યો નહીં. જેને કારણે જીતુના ગુમ થવાને લઈને પરિવાર પણ અસમંજસ તેમજ ચિંતાજનક સ્થિતિમાં આવી ગયો હતો. જીતુ પાકિસ્તાનમાં છે તેવી જાણ થતાં જ તેના પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેના માતા પિતા એક પછી એક તેઓ પણ મૃત્યુ પામ્યા હતા.
નોંધનીય છે કે, પાકિસ્તાનની જેલમાંથી છૂટીને પાંચ વર્ષ પછી જીતુ રાઠોડ ઘરે પરત ફર્યો છે. ત્યારે તેના પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ છે. પરિવારના સૌ કોઈની આંખોમાં ખુશીના આંસુ છે. જીતુ એ પણ નક્કી કર્યું છે કે તે હવે પછી ક્યારેય માછીમારી કરવા જશે નહિ અને આજીવન ખેતી જ કરશે.