દિલ્હીમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.શાસક પક્ષ AAP એ દાવો કર્યો હતો કે તેઓ તેમના કામને કારણે ફરીવાર જીતી જશે.તો બીજી બાજુ ભાજપનું કહેવું છે કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આખા પાંચ વર્ષ ફક્ત વચનો અને જાહેરાતો પાછળ જ ગાળ્યા છે. જો કે આ દરમિયાન સર્વે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે. એટલે કે અરવિંદ કેજરીવાલ જ ફરી મુખ્યમંત્રી બનશે.
IANS સીવોટરે કરેલા સર્વે મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બહુમત સાથે ફરીથી સત્તામાં આવશે. આ સર્વે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કરવામાં આવ્યો હતો અને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ મુજબ જો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ચૂંટણી યોજાય તો દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પાર્ટી આપ જીત મેળવશે.
સીવીઓટર સર્વે અનુસાર આપને 53.3 ટકા મત મળશે અને 59 સીટ જીતશે. જ્યારે બીજેપીને 25.9 ટકા મતો સાથે આઠ બેઠકો મળવાની શક્યતા છે. બીજી બાજુ જો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ચૂંટણી યોજવામાં આવે તો કોંગ્રેસ 4 બેઠકો જીતી શકે છે.સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે જો આજે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો તમે કોને મત આપશો? આ સમય દરમિયાન આપને 54 થી 64 બેઠકો મળવાની ધારણા હતી. ભાજપને ત્રણથી 13 અને કોંગ્રેસને શૂન્યથી છ બેઠકો મળવાની શક્યતા છે.
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને 67 બેઠકો મળી હતી જો કે પાંચ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ તેમની પાસે 62 ધારાસભ્યો વધ્યા છે. પંજાબની ચૂંટણીમાં જીત્યા બાદ એક ધારાસભ્યના રાજીનામા બાદ પેટા-ચૂંટણીમાં પણ તેમણે એક બેઠક ગુમાવી હતી.જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાની તમામ બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે.