Ahmedabadના રાણીપ વિસ્તારમાં આવેલી D-Mart નજીક ઊભા રહેતા એક પાણીપુરી વેચનારની લારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવતીએ આક્ષેપ કર્યો છે કે પાણીપુરી ખાતા સમયે તેની પ્લેટમાંથી હાડકું નીકળ્યું હતું. યુવતી પોતાની માતા સાથે પાણીપુરી ખાવા ગઈ હતી. પહેલા પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ તેમણે તે સમયે ખાસ ધ્યાન આપ્યું નહોતું. જોકે અંતિમ પાણીપુરીમાંથી હાડકાં જેવો ટુકડો નીકળતા યુવતીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ વાયરલ વીડિયોની તપાસ કરી રહ્યું છે.
વાયરલ વીડિયોમાં યુવતી જણાવે છે કે રાણીપ ડી-માર્ટ પાસે “કૃષ્ણા ભેળ પાણીપુરી” નામની લારી ચાલે છે. 15 મેના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે તે પોતાની માતા સાથે ત્યાં પાણીપુરી ખાવા પહોંચી હતી. પાણીપુરી ખાતા દરમિયાન એક વખત વાળ નીકળ્યો હતો, પરંતુ તેમણે તે બાબતે કોઈ વિરોધ કર્યો નહોતો. યુવતીના કહેવા પ્રમાણે, આ તેમની ભૂલ હતી.
યુવતીએ વધુમાં જણાવ્યું કે છેલ્લી પાણીપુરી ખાતા તેમાં હાડકાં જેવો ટુકડો નીકળ્યો હતો. જ્યારે તેણે વેચનારને આ અંગે પૂછ્યું ત્યારે શરૂઆતમાં તેને “લાકડાનો ટુકડો” હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ત્યાં હાજર અન્ય ચાર ગ્રાહકોને બતાવતા તેમણે પણ તે હાડકું હોવાનું કહ્યું હતું. ત્યારબાદ યુવતી અને તેની માતાએ ફરીથી વેચનારને સવાલ કરતા તેણે પહેલા “લાકડું” હોવાનું કહ્યું અને કાપીને બતાવવાની વાત કરી. પરંતુ કાપવાનો પ્રયાસ કરતાં તે કપાયું નહીં. બાદમાં વેચનારે હાડકું હોવાની કબૂલાત કરી માફી માંગી અને “હાડકું ઉડીને આવી ગયું હશે” તેવી દલીલ કરી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ ફૂડ વિભાગ દ્વારા વીડિયોની ખરાઈ અને સંબંધિત લારી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.