Gujarat

ભરતી કૌભાંડનો વિડીયો થયો વાયરલ, સેટિંગ કરાવનાર ભાજપના નેતા પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

એસટીની ભરતીમાં કથિત રીતે થયેલ ભ્રષ્ટાચારના કેસમાં ભાજપના નેતા જશુ ભીલનો પૈસા લીધા હોવાની વાતચીતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલ રાજકીય ગરમાવો આવ્યો છે. જો કે, ભાજપે જશુભીલને શિસ્તભંગનું કારણ આગળધરીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. મળતી માહિતી અનુસાર, જશુ ભીલનો કથિત ભ્રષ્ટાચારનો વિડીયો સવારથી જ સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ ભાજપે જશુભીલને પાર્ટીમાંથી બરતરફ કર્યા હોવાની જાણકારી મળી છે. આ વિડીયોને લઈને ભાજપ પર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, છોટાઉદેપુર જિલ્લાના જશુભાઈ ભીલ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર છે. હાલમાં જ જશુભાઈ ભીલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો વર્ષ 2020નો છે. વીડિયોમાં કંડક્ટરની ભરતીમાં જશુભાઈ કેટલાક યુવાનો પાસેથી પૈસા લીધા હોવાની વાતનો સ્વીકાર કરે છે. અને કહે છે કે તેમણે પૈસા લીધા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે આ કામ થઇ શક્યું નથી. તેઓ વધુમાં એવું પણ કહી રહ્યા છે કે, એસ.ટી.નિગમની ઓફિસ શરૂ થશે એટલે હું બધા પૈસા પરત લઈ આવીશ. ઉલ્લેખનીય છે કે, જશુભાઈ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના ડિરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે.

ફરિયાદી યુવકે લગાવેલ આરોપ અનુસાર, કંડકટરની વર્ષ 2018માં થયેલ ભરતી માટે આ યુવકે જશુ ભીલને જે ભાજપના હોદ્દેદાર છે તેમને 40 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં યુવકને ભરતીમાં ઓર્ડર ન મળતા તેણે જશુ ભીલ પાસે પૈસા પરત માગ્યાં હતા. જો કે, જશુ ભીલે યુવકને સરખો જવાબ આપતા નહોતા. માટે યુવકે આધાર પુરાવાના ભાગરૂપે આ વિડીયો ઉતારવો પડ્યો હતો. તેવુ યુવકે જણાવ્યું હતું. જો કે, જશુ ભીલ પોતાના બચાવ કરતા જણાવે છે કે, હાલ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે ઘણો જૂનો હોઈ શકે છે. કારણ કે, તેમનો જૂન-જુલાઈ 2017માં એસટી નગર નિગમના ડિરેક્ટર તરીકે કાર્યકાળ પૂરો થઈ ગયો હતો.