India

પતિને જન્મદિવસે ફ્લેટ આપીને સરપ્રાઈઝ આપવા માંગતી હતી પત્ની, લાગી ગયો લાખોનો ચૂનો

રાજસ્થાનના જોધપુરથી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાને તેના પતિના જન્મદિવસે સરપ્રાઈઝ આપવી મોંઘી પડી ગઈ છે અને તેને લાખો રૂપિયાનો ચુનો લાગી ગયો છે. પત્ની તેના પતિને તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે એક ફ્લેટ આપવા માંગતી હતી, પરંતુ તેને છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે. ત્યારે આ અંગે પતિને જાણ કરવામાં આવતા હવે પતિ-પત્નીએ મળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ અધિકારી દિનેશ લખાવતે જણાવ્યું કે, અભિષેક જૈન અને પ્રિયંકા જૈને પોલીસ સ્ટેશનમાં નીતિન સિંહ સિસોદિયા અને મનસુખ સોની વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે. જેમાં નોંધાવ્યું છે કે, પ્રિયંકા તેના પતિ અભિષેકને 17 ડિસેમ્બર 2021ના રોજ તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવા માટે ફેમિલી ફ્રેન્ડ નીતિન સિંહને કહ્યું હતું કે તે તેના પતિને એક ફ્લેટ ગિફ્ટ કરવા માંગે છે. આના પર નીતિન સિંહે તેનો મનસુખ સોની નામના વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો.

નીતિન સિંહ સિસોદિયાએ પ્રિયંકાને કહ્યું કે મનસુખ સોનીને રૂપિયાની જરૂર છે, જો તમે ફ્લેટ લો છો, તો તેમાં તમને ફાયદો થઇ જશે, જેના પર તેના પતિ અભિષેકને જાણ કર્યા વગર જ 5 ડિસેમ્બર, 2019 ના રોજ નીતિનને વકીલ અનિલ શર્માની સામે 9 લાખ રૂપિયા મનસુખને આપીને કરાર કરાવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી 2020માં નીતિન સિંહે પ્રિયંકાને કહ્યું કે બિલ્ડિંગનું કામ ઝડપથી થઇ રહ્યું છે. ટૂંક સમયમાં જ તમને ફ્લેટ મળી જશે અને તમે 20 હજાર રૂપિયાનો માસિક હપ્તો ચૂકવતા રહો. જેથી તમને અંતિમ ચુકવણી સમયે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહિ.

ઓગસ્ટ 2021 સુધી પ્રિયંકાએ રોકડા 20 હજાર રૂપિયા દર મહિને નીતિન સિંહને આપ્યા હતા. પરંતુ આ પછી, જ્યારે તેને દસ્તાવેજો માંગ્યા તો તે કોઈને કોઈ બહાને તેમાં વિલંબ કરતા રહ્યા અને વારંવાર દસ્તાવેજો આપવાનું બહાનું કરવા લાગ્યા અને ત્યારબાદ ફરી દસ્તાવેજો માંગ્યા તો તેના બાળકનું અપહરણ કરવાની ધમકીઓ આપવા લાગ્યા. આ પછી પ્રિયંકાએ આ સમગ્ર હકીકત તેના પતિ અભિષેકને જણાવી.

તો તેને પણ નીતિન સિંહ સિસોદિયા અને મનસુખ સોની બંને પાસેથી દસ્તાવેજો પણ માંગ્યા હતા, પરંતુ તેઓએ તેના પતિને પણ દસ્તાવેજો માંગ્યા તોઆપવાની ના પાડી દીધી. નીતિન સિંહ વીજળી વિભાગમાં સરકારી કર્મચારી છે. જ્યારે ફ્લેટ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે મનસુખ સોનીએ ઓગસ્ટ 2020માં આ જ ફ્લેટ પર બેંકમાંથી લોન પણ લઈને રાખી છે.

આ પછી તે સ્પષ્ટ થઇ ગયું કે નીતિને તેની પત્ની સાથે છેતરપિંડી કરી છે. ફ્લેટનું બુકિંગ પ્રિયંકાના નામે થયું ન હતું, હવે આ મામલે પ્રિયંકાએ સરદારપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે, ત્યારે હવે પોલીસ તપાસમાં લાગી ગઈ છે અને આ મામલે વધુ તપાસ કરી રહી છે.