ઉત્તર પ્રદેશ સરકારના રાજ્ય પ્રધાન રઘુરાજસિંહે અલીગઢમાં આયોજીત એક રેલીમાં નાગરિકતા સુધારા અધિનિયમના સમર્થનમાં વિવાદિત નિવેદન આપ્યું છે. આજે અલીગઢના નુમાઇશ મેદાનમાં ભાષણ આપતાં તેમણે કહ્યું કે યોગી વિરુદ્ધ નારા લગાવનારા લોકોને જીવતા દાટી દઈશ.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સીએએ, એનઆરસી અને એનપીઆર સામે વિદ્યાર્થીઓના આંદોલનને નિશાન બનાવ્યું હતું. આ આંદોલન દરમિયાન પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.પ્રદર્શનમાં વડા પ્રધાન અને મુખ્યમંત્રી વિરુદ્ધ મુર્દાબાદના નારાઓ પર રાજ્ય પ્રધાન રઘુરાજસિંહે કહ્યું કે યોગી વિરુદ્ધ નારા લગાવનારા લોકોને જીવતા દફન કરી દેશે.