વડોદરાના હરણી લેક ઝોન ખાતે સર્જાયેલ દુર્ઘટનામાં 15 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે દુર્ઘટના સ્થળ પર હજુ તપાસ ચાલી રહી છે. તેની સાથે હરણી પોલીસ દ્વારા પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસ દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેની સાથે વડોદરામાં બનેલી બોટ દુર્ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરીને વડોદરા આવી પહોંચ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા સાંજના સમયે હરણી તળાવ આવી પહોંચ્યા હતા. તેમના દ્વારા અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે જાણકારી મેળવવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સયાજી હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. ત્યાં તેમના દ્વારા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત લેવામાં આવી હતી અને જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.
તેની સાથે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિવાય સરકાર દ્વારા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં સરકાર મુજબ અનેક સવાલનો જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.
તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને મોટી જાણકારી આપી છે કે, હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરવામાં આવશે.