
કોકરોચ જનતા પાર્ટી Cockroach Janata Party નું જંતર-મંતર ખાતેનું વિરોધ પ્રદર્શન ફરી શરૂ થયું છે. સોમવારે સાંજે દિલ્હી પોલીસે જંતર-મંતર ખાલી કરાવ્યા બાદ લગભગ છ કલાકમાં જ પ્રદર્શનકારીઓ ફરી એકત્ર થયા હતા. રાત્રે 11 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં સમર્થકો જંતર-મંતર પર પહોંચ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
CJPના નેતા અભિજીત દીપકે જણાવ્યું હતું કે આંદોલન મંગળવારે પણ ચાલુ રહેશે અને સંસદ તરફ ફરી માર્ચ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પરથી હટશે નહીં. હાલ પ્રદર્શનકારીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ત્રણ મુખ્ય માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે.
સોમવારે CJPના કાર્યકરો અને સમર્થકોએ સંસદ તરફ કૂચ કરી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સંસદ માર્ચ દરમિયાન નવી દિલ્હી વિસ્તારમાં હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં અનેક અધિકારીઓ સહિત 118થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે પોલીસે આશરે 70 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ઘટનાના બીજા જ દિવસે સંસદ માર્ગ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં લગભગ 60 પ્રદર્શનકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. તોફાની તત્વોએ પથ્થરમારો કરતાં 15થી 20 સરકારી વાહનો તેમજ જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે તોફાન, પોલીસ પર હુમલો, જાહેર સંપત્તિને નુકસાન અને અન્ય સંબંધિત ગુનાઓ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન અને સંસદ માર્ચ બાદ દિલ્હી પોલીસે રાજધાનીની સરહદો પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. સિંઘુ, ટિકરી, ઓચંદી, ધાંસા, કાપસહેડા, નજફગઢ સહિતના તમામ મુખ્ય બોર્ડર પોઈન્ટ પર વધારાનું પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે અને વાહનોની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે દરેક શંકાસ્પદ વાહન અને વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. સોમવારે થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને હવે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.