કોરોનાનો કહેર ઘટતા સરકારે લોકોને આપી આ ભેટ, કોરોનાની ગાઈડલાઈન્સથી મોટા નિયંત્રણોને કર્યા દૂર
રાજ્યમાં કોરોનાનો કહેર ઘટતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કોરોનાનો કહેર વધતા દરમિયાન સરકાર દ્વારા લગાવવામાં આવેલ નિયંત્રણો હળવા કરવા પર મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. તેમાં કેટલાક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા મળેલી કોર કમિટીની બેઠકમાં સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયમાં લોકોને અનેક નિયંત્રણોથી છૂટછાટ મળી ગઈ છે. આ બાબતમાં ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા. ૧૮ ફેબ્રુઆરીથી તા.૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રીના ૧૨ થી સવારે ૫ વાગ્યા સુધી અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સિવાય બીજા શહેરોમાં રાત્રી કર્ફ્યુંને દૂર કરી દેવામાં આવ્યું છે.
તેની સાથે રાજ્યમાં યોજાવનાર સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય તો જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરી શકાશે. તેની સાથે તે પણ જણાવવામાં આવ્યું છે કે, હવેથી લગ્ન સમારોહ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની જરૂરીયાત નથી.