દેશમાં દિવસે ને દિવસે લૂંટફાટ, હત્યા કિડનેપિંગ, ખંડણી જેવા કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે, જે લોકો સાથે ગમે ત્યારે ગમે તે બનાવ બની શકે છે ત્યારે આજે પણ એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં તેના મિત્રએ જ મિત્રનું કિડનેપિંગ કરવાનું કાવતરું ઘડ્યું છે.
દિલ્હી પોલીસે આ અંધ હત્યાનો ખુલાસો કરતા બે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને ત્રીજા આરોપીની શોધ કરવામાં આવી રહી છે. આ સનસનાટીભર્યા ઘટસ્ફોટનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યું છે કે 18 વર્ષના છોકરાને બર્થડે પાર્ટીમાં બોલાવવામાં આવ્યો હતો અને તેનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી. ખરેખર આરોપીઓ છોકરાની હત્યા કર્યા બાદ ખંડણી માંગવા માંગતા હતા. પરંતુ આ દરમિયાન અપહરણ કરાયેલા છોકરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી. આ મામલાની તપાસ કરતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરતા બુરાડી માંથી મૃતદેહ કબજે કર્યો.
રોહન પરિવારજનોને એવું કહીને નીકળ્યો હતો કે તે તેના મિત્ર ગોપાલ સાથે બર્થડેની પાર્ટીમાં જઈ રહ્યો છે. ત્યારબાદ તે પાછો આવ્યો ન હતો. ત્યારબાદ 23 જાન્યુઆરીએ રાત્રે 11:30 વાગ્યે દિલ્હી પોલીસને સમાચાર મળ્યા કે રોહન નામનો 18 વર્ષનો છોકરો બુરાડી માંથી ગુમ થઇ ગયો છે. પોલીસે ગુમ થયેલ વ્યક્તિની નોંધણી કરતા સબ ઇન્સ્પેક્ટર દીપક શર્માને તપાસમાં જોડ્યા.
રોહનના પિતા એક બિઝનેસમેન છે અને તેનો પુત્ર દિલ્હીની કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. પોલીસે સૌથી પહેલા રોહનના મોબાઈલ ફોનને ટ્રેક કરવાનું શરૂ કર્યું, તો રોહનના મોબાઈલ ફોનનું લોકેશન ઉત્તર પ્રદેશના મુરાદાબાદ માંથી મળ્યું. પોલીસની એક ટીમ રોહનના ઘરેથી ઘણા વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં લાગી ગઈ. પોલીસે આ વિસ્તારના 200 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી.
રોહનના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે તે ગોપાલ નામના છોકરા સાથે ગયો હતો. ત્યાર બાદ પોલીસે ટ્રેક કરતા ગોપાલની ધરપકડ કરી લીધી. ગોપાલે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે એક જાણીતા શોરૂમમાં ક્લીનર તરીકે કામ કરે છે. જેમાં તેને 8 હજાર પગાર મળે છે અને તે શોરૂમમાં રોહન તેના પિતા સાથે આવતો હતો. જેના કારણે બંનેની મિત્રતા થઈ ગઈ હતી. આ દરમિયાન ગોપાલે અપહરણ (કિડનેપિંગ) ફિલ્મ જોઈ અને તેના મગજમાં રોહનનું અપહરણ કરવાનો વિચાર આવ્યો. અને આ પ્લાનિંગમાં રોહને તેના બે મિત્રોને પણ સામેલ કર્યા હતા. તેમનો પ્લાન હતો કે રોહનને બર્થડે પાર્ટીમાં બોલાવીને અને તેનું અપહરણ કરીને તેના પિતા પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગશે જે સરળતાથી મળી જશે.
પ્લાનિંગ મુજબ, 16 જાન્યુઆરીએ ગોપાલે એક રૂમ ભાડે લીધો અને 23 જાન્યુઆરી, 2022ના રોજ ગોપાલે રોહનને તેની સાથે મિત્રની બર્થડે પાર્ટીમાં શામેલ થવા માટે લઇ ગયો. પરંતુ ત્યાં પાર્ટી નહિ પરંતુ એક સાજિશ રોહનની રાહ જોઈ રહી હતી, પછી ત્રણેય એ મળીને રોહનના હાથ-પગ બાંધી દીધા હતા અને આજ ઝપાઝપી દરમિયાન આરોપીઓએ દોરડા વડે રોહનનું ગળું દબાવી દીધું. હવે તેમને રોહનના પરિવારને ફોન કરીને ખંડણી માંગવાનું વિચાર્યું.
24 જાન્યુઆરીએ ગોપાલ તેના કામ માટે શોરૂમમાં ગયો ત્યારે તેને ખબર પડી કે રોહનને પોલીસ શોધી રહી છે. જેથી આ આરોપીએ રોહનના પરિવાર પાસેથી ખંડણી માંગવાનો પ્લાન છોડી દીધો. અને ગોપાલનો એક મિત્ર જ રોહનનો મોબાઈલ ફોન મુરાદાબાદ લઈને જતો રહ્યો અને અલગ-અલગ જગ્યાએ ફરતો રહ્યો. આ જ કારણ હતું કે રોહનનું મોબાઈલ લોકેશન પોલીસને મુરાદાબાદમાં મળી આવ્યું.
આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે ગોપાલના નિશાનદેહી પર તેના મિત્ર સુશીલની પણ ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ પોલીસે રોહનનો મૃતદેહ પણ કબજે કરી લીધો. પોલીસ ત્રીજા આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ ત્રીજા આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવશે.