ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રએ અમેરિકામાં વૃદ્ધા સાથે $80,000ની ઠગાઈ કરતા પોલીસે કરી ધરપકડ
આણંદના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલના પુત્ર પાર્થ પટેલની એક વૃદ્ધા સાથે ઠગાઈ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ફોન કૌભાંડ દ્વારા પાર્થ પટેલે વૃદ્ધા સાથે 80 હજાર ડોલરની ઠગાઈ કરી હતી. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં બનેલી ઠગાઈની આ ઘટનામાં ફ્લોરિડા પોલીસે આ ઠગાઈના કેસમાં પાર્થ પટેલ સહિત બે લોકોની ઘરપકડ કરી છે.
વૃદ્ધાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના આઈપેડ પર એક પોપ-અપ મેસેજ આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, તેમની બેંક સાથે ચેડા કરવામાં આવ્યા હોવાથી તેમણે 1-(833) નંબર પર ફોન કરવાની જરૂર છે. જેથી વૃદ્ધા એ તે નંબર પર ફોન કરતા સામે વાળી વ્યક્તિએ જણાવ્યું કે તમારી એક નાણાકીય સંસ્થા છે અને એડલ્ટ વિડીયો કેસમાં તમે શંકાસ્પદ છો. તેમજ વધુમાં કહ્યું કે, $30,000માં ચીનમાં એડલ્ટ વિડીયોની ખરીદી કરવામાં આવી હતી અને આ મુદ્દાને ઉકેલવા માટે થઈને તે પૈસા તેણે પાછા ચૂકવવાની જરૂર છે.
જેથી ડરના કારણે વૃદ્ધાએ સ્કેમરની સૂચના અનુસાર બેંકમાંથી પૈસા ઉપાડીને તે પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરવા માટે તેણી બિટકોઈન એટીએમમાં ગઈ હતી. સ્કેમરે બીજા દિવસે ફરીથી વૃદ્ધાનો સંપર્ક કરીને બીજા $50,000ની માંગણી કરી અને પહેલાની જેમ જ પૈસા ઉપાડવા કહ્યું હતું. જો કે વૃદ્ધાએ કહ્યું કે તે આટલા પૈસા લઈને નીકળવામાં અસલામતી અનુભવે છે. તેથી સ્કેમરે વૃદ્ધાને કહ્યું કે, તે ઘરે લેવા આવશે.
પોલિસે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વૃદ્ધાને ડર હતો કે તે પૈસા નહિ આપે તો આ લોકો તેનું ખૂન કરી નાખશે. અને એટલે જ તે આ લોકોની માંગણી માની રહી હતી. પોલીસે આ કેસમાં પાર્થ પટેલ અને કુરુગુંટલા આ બંને આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી છે.