વડોદરા શહેરમાં પ્રતાપનગર રોડ પર આવેલા ખાનગી કોમ્પલેક્ષ સિગારેટ પીવાની ના કહેવામાં આવતા મહિલા સિક્યોરિટી ગાર્ડ સાથે મારામારી અને છેડતી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સિગારેટ પીવાની સામાન્ય બાબતમાં મહીલા સિક્યોરિટી ગાર્ડ સાથે ચાર લોકો દ્વારા મારા મારી કરી ધમકીઓ આપતા મામલો ચર્ચામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં મકરપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા શોપિંગ કોમ્પ્લેક્ષમાં યુવકોને સિગારેટ પીવાની ના કહેતા તેમના દ્વારા મહિલા ગાર્ડ સાથે મારામારી કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેના પર સળિયા દ્વારા હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. મકરપુરા પોલીસ દ્વારા CCTV ની મદદથી એક કિશોર સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને જણાવી દઈએ કે, વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરની સામે આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષમાં મહિલા ગાર્ડ મંગળવારના રોજ ફરજ પર રહેલા હતા. આ દરમિયાન બપોરના સમયે કેટલાક યુવકો ત્યાં આવી પહોંચ્યા હતા અને સિગારેટ પીવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં મહિલા સિક્યુરિટી ગાર્ડને શંકા ગઈ હતી કે, આ સિગારેટ દ્વારા કોઈ બીજો નશો કરવામાં આવી રહ્યો છે તેના લીધે મહિલા દ્વારા તેમને ત્યાંથી જતા રહેવા કહેતા યુવકો ગુસ્સે થઈ ગયા હતા અને મહિલાને જેમતેમ બોલવાનું શરુ કરી દીધું હતું. તેના લીધે મહિલાએ વિરોધ કરતા તમામ દ્વારા મળીને મહિલા સાથે ઝપાઝપી કરવામાં આવતા કોમ્પ્લેક્ષના લોકો આવી ગયા હતા અને ઝઘડો શાંત પાડવામાં આવ્યો હતો.
ત્યાર બાદ યુવકો સળિયા લઈને આવ્યા હતા અને મહિલા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોના ટોળા જોઈને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. મહિલા દ્વારા આ મામલામાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. યુવક દ્વારા મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવાની સમગ્ર ઘટના CCTV માં કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મકરપુરા પોલીસ દ્વારા CCTV ના ફૂટેજની મદદથી આરોપીઓની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર યુવકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જે પૈકી એક યુવક ડભોઇ રોડ પર રહે છે અને તે ગાંજાનું સેવન કરે છે. જયારે તે ભૂતકાળમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલામાં કુનાલ ઉર્ફે ઢોસો રઘુપતિ તેવર (મદ્રાસી), દિપ દેવેંદ્રભાઇ રાઠોડ, આદર્શ રામસ્વરુપ પંચાલ અને સગીરને ઝડપી પાડવામાં આવ્યા છે.