×
GujaratAhmedabad

આજથી હેલ્મેટ પહેરીને નીકળજો, આટલા દિવસ કડક ડ્રાઈવ, પોલીસ પકડશે તો 500નો દંડ થશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ Gujarat Police ફરી એકવાર નિયમોના કડક અમલ માટે સક્રિય બની છે. આજે 1 મેથી 31 મે સુધી રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરનારા ટુ-વ્હીલર ચાલકો સામે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ અભિયાન State Traffic Branch દ્વારા હાથ ધરાયું છે, જેથી માર્ગ સુરક્ષામાં વધારો થાય.

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણે પરિપત્ર જારી કરી જણાવ્યું છે કે, વર્ષ 2025માં યોજાયેલી Gujarat Road Safety Authority અને State Road Safety Councilની બેઠકમાં મોટા શહેરોમાં હેલ્મેટના નિયમનો કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવી સૂચનાઓ મુજબ, માત્ર વાહન ચલાવનાર જ નહીં પરંતુ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. સુરતમાં સફળ અમલ બાદ હવે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આ નિયમ કડક રીતે લાગુ કરવામાં આવશે.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ નિયમોનું પાલન કરે તે માટે સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે. જિલ્લા અને શહેરના વડાઓને આ અભિયાનની અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

31 મે સુધી ખાસ ડ્રાઇવ

1 મે થી 31 મે સુધી ચાલનારી આ વિશેષ ઝુંબેશ દરમિયાન દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવશે. હેલ્મેટના નિયમનો ભંગ કરનાર તમામ ટુ-વ્હીલર ચાલકો—સરકારી હોય કે ખાનગી—વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

નિયમનો ભંગ કરનાર સામે ₹500નો દંડ ફટકારવામાં આવશે. તેમજ દરરોજની કાર્યવાહીનો અહેવાલ બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચને મોકલવાનો રહેશે. આ અભિયાનનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.