ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ, 24 કલાકમાં રેકોર્ડ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સતત વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી દસ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના 12753 કેસ સામે આવ્યા છે. તેની સાથે કોરોનાની સારવાર દરમિયાન 5984 દર્દીઓ સાજા થયા છે અને પાંચ લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. તેના લીધે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજયમાં કોરોનાના કેસ વધવાની સાથે હવે એક્ટીવની કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ 70,374 કોરોનાના એક્ટિવ કેસ રહેલા છે જેમાં 95 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી સાજા થવાનો આંકડો 8,58,455 પહોંચ્યો છે અને મુત્યુઆંકનો આંકડો 10,164 પહોંચ્યો છે. જ્યારે રિકવરી રેટમાં ઘટાડો થતા 91.42 ટકા પર આવી ગયો છે. કોરોનાથી આજે સુરતમાં બે, અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને પંચમહાલમાં એક-એક મોત નીપજ્યું છે.
તેની સાથે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસમાં ધમાકો થયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4340 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે 1921 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેલો છે આજે 2955 કેસ સામે આવ્યા છે જ્યારે 1680 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં પણ ચાર આંકડામાં કેસ પહોંચ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં આજે 1207 કેસ સામે આવા છે.
આ સિવાય સુરત જિલ્લામાં 464, રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડમાં 340, નવસારીમાં 300, ભરૂચમાં 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબીમાં 182, મહેસાણામાં 152, કચ્છમાં 149, પાટણમાં 122, રાજકોટ જિલ્લામાં 120, વડોદરા જિલ્લામાં 106 અને ખેડામાં 102 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,63,593 લોકો દ્વારા રસી લેવામાં આવી છે. તેના લીધે રસી લેનારાઓનો આંકડો 9,50,62,411 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. જ્યારે બુસ્ટર ડોઝ નો આંકડો 6,00,821 પહોંચી ગયો છે. તેની સાથે 15 થી 18 વર્ષના યુવાઓ દ્વારા 22,41,245 વેક્સીનનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે.