ગુજરાતમાં કોરોના બેકાબુ: 24 કલાકમાં 2265 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 1290 કેસ
રાજ્યમાં નવા વર્ષે જ કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં 7 મહિના બાદ આજે આટલા વધારે કેસ નોંધાયા છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના 2265 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ ૧૨૯૦ કેસ અમદાવાદમાં નોંધાયા છે.આજે રાજ્યમાં કોરોના ના ૨ દર્દીઓના મોત પણ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના ના નવા વેરીએન્ટ ઓમીક્રોન ના કેસ પણ વધી રહ્યા છે.
આજે રાજ્યમાં કુલ 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. બન્ને કેસ અમદાવાદમાં જ નોંધાયા છે.. અત્યાર સુધીનો આંકડો જોઈએ તો ગુજરાતમાં કુલ 154 ઓમિક્રોન ના દર્દીઓ મળી આવ્યા છે. રાહતની વાત એ છે કે આ વેરીએન્ટથી હજુ સુધી રાજ્યમાં એક પણ મૃત્યુ થયું નથી. જો કે અમદાવાદ અને સુરત માટે હવે ચિંતા વધી ગઈ છે. આજે અમદાવાદમાં સૌથી વધુ કોરોના ના કેસ નોંધાયા છે.
અમદાવાદમાં આજે ૧૨૯૦ કેસ, સુરતમાં ૪૧૫ કેસ,વડોદરા કોર્પોરેશનમાં ૮૬ કેસ,આણંદમાં ૭૦ કેસ, કચ્છમાં ૩૭ કેસ, રાજકોટ કોર્પોરેશનમાં ૩૬ કેસ,ખેડામાં ૩૪ કેસ, ભરૂચમાં ૨૬ કેસ, અમદાવાદ ગ્રામ્ય માં ૨૬ કેસ,મોરબીમાં ૨૪ કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં ૨૩ કેસ, રાજકોટ ગ્રામ્યમાં ૨૧ કેસ, ભાવનગર કોર્પોરેશનમાં ૧૮ કેસ, સુરતમ ગ્રામ્યમાં ૯ કેસ નોંધાયા છે. કોરોના ના કેસમાં રોકેટ ગતિએ વધારો આવતા સરકાર પણ હવે ચિંતિત બની છે.