બિપોરજોય વાવાઝોડાને પગલે બેકાબુ બનેલું ભારેખમ જહાજ નવલખી બંદર નજીક ટકરાયું

કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયાનક બીપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હોવાના કારણે પશુ-પક્ષી સાથે જ પ્રકૃતિને ખૂબ જ નુકસાન પહોંચ્યુ છે. તો એક માલવાહક જહાજ પણ વાવાઝોડાંના કારણે નુકશાન પામ્યું હોવાનું હાલ સામે આવ્યું છે. કચ્છ જિલ્લા માળિયા પાસેના નવલખી બંદર નજીક બીપરજોય વાવાઝોડાના કારણે દરિયાની ખાડીમાં એક માલવાહક તોતિંગ જહાજ બેકાબૂ બની ગયું અને તે ફંગોળાઈ જતા દરિયા કાંઠે ટકરાઈ પડ્યું છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, કોલસાના પરિવાહનમાં ચાલતું જહાજ 15મી જુનના રોજ નવલખી બંદર તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન ભારે પવન ફૂંકાવવાના કારણે આ જહાજ દરિયાના પાણીમાં બેકાબૂ બની ગયું હતું. સૂત્રોના કહેવા અનુસાર જહાજ પર 4 જેટલા હિન્દીભાષી લોકો જહાજ પર હાજર હતા. જહાજને કાબુમાં લેવા માટે થઈને આ લોકોએ બીજું વધારાનું એન્જિન પણ ચાલુ કરી દીધું હતું. પણ પવનના ખૂબ જ વધારે દબાણ સામે તે ટકી ન શકતા જહાજની ગતિ બેકાબુ બની બંદર નજીકના કાંઠે ટકરાઈ પડ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ઘટના બન્યાના ત્રીજા દિવસે આજ રોજ બંદર પ્રશાસન સાથે સંપર્ક કર્યા પછી જહાજને દરિયાઈ ખાડીના પાણીમાં ફરીથી ઉતારવા ચેન વડે ચાલતા બે જેસીબી મશીનનો સહારો લેવામાં આવ્યો હતો. પરંતુ આ ભારેખમ જહાજ ગત સાંજ સુધી ખસી શક્યું ન હતું.