CongressIndiaPolitics

હિજાબ વિવાદ મુદ્દે પ્રિયંકા ગાંધીએ આપ્યું મોટું નિવેદન

કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદ માં હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ કૂદી પડ્યા છે. પ્રિયંકા ગાંધીએ આ મામલે કહ્યું છે કે મહિલાઓએ હિજાબ પહેરવું કે બિકીની તે તેમની પસંદગી છે. આ મામલે કોઈને પણ બોલવાનો અધિકાર નથી. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું, ‘બિકીની પહેરો, બુરખો પહેરો, જીન્સ પહેરો કે પછી હિજાબ પહેરો, મહિલાઓનો અધિકાર છે તેમને જે પહેરવું હોય તે પહેરે. અને મહિલાઓને આ અધિકાર ભારતના બંધારણથી મળ્યો છે. ભારતનું બંધારણ તેમને કંઈપણ પહેરવાની આઝાદી આપે છે. તેથી મહિલાઓને પરેશન કરવાનું બંધ કરો.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ કેસને મોટી બેંચને મોકલી આપ્યો છે. સિંગલ બેન્ચે આ કેસમાં કોલેજોમાં હિજાબ પહેરવા માટે છોકરીઓને છૂટ આપતો વચગાળાનો આદેશ કરવાનો ઇનકાર કર્યો હતો. અને મોટી બેન્ચ દ્વારા વચગાળાની રાહતને ધ્યાનમાં લેવી જોઈએ તેવું કહ્યું હતું.

નોંધનીય છે કે, કર્ણાટકના પ્રાથમિક ઉચ્ચ શિક્ષણ મંત્રીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમે આ વિવાદને લઈને કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની ભૂમિકાની તપાસ કરીએ છીએ. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા ની વિદ્યાર્થી પાંખ CFI કે જે ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન છે તેનો આ વિવાદ ઉભો કરવામાં હાથ હોય તેવી અમને શંકા છે. આ સમગ્ર મામલે હાલતપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી કાર્યવાહી કરીશું.

ઉલ્લેખનીય છે કે, આ મામલે કર્ણાટકની ફર્સ્ટ ગ્રેડ કોલેજના કેમ્પસમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. NSUIએ દાવો કરતા કહ્યું છે કે અહીં પહેલા ભગવો ધ્વજ ફરકાવાયો હતો. જેનો NSUI એ સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ કર્યો હતો. અને લખ્યું હતું કે, ત્રિરંગો સર્વોચ્ચ છે અને હંમેશા સર્વોચ્ચ રહેશે. સાંપ્રદાયિક તાકાતો ગમે તેટલા પ્રયાસ કરે, અમે દેશને ધર્મના નામે નફરતની આગમાં ક્યારેય સળગવા દઈશું નહીં. જ્યાં પણ આરએસએસ અને ભાજપ દેશને તોડવાનો પ્રયાસ કરશે, ત્યારે એનએસયુઆઈ તેમના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે કામ કરતું રહેશે.

તમને જણાવી દઈએ કે, હિજાબ વિવાદને લઈને કર્ણાટક રાજ્યમાં ત્રણ દિવસ સુધી હાઈસ્કૂલ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. જાણકારી મુજબ, સીએમ બસવરાજ બોમાઈના નિર્દેશથી 3 દિવસ માટે રાજ્યમાં કોલેજો અને હાઈસ્કૂલ બંધ કરી દેવામાં આવી છે.નોંધનીય છે કે, હિજાબનો વિવાદ હાલ ચરમસીમાએ છે ત્યારે મધ્યપ્રદેશ સરકારે આ મામલે કહ્યું છે કે તે શાળાઓમાં સિવિલ ડ્રેસ કોડ પર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. જોકે ભાજપ શાસિત બિહાર અને ત્રિપુરા એમ બે રાજ્યોએ આ વિચારને નકારી કાઢ્યો છે, જ્યારે મહારાષ્ટ્ર તેમજ પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રીઓએ ભાજપના વિચાર પર આકરી પ્રતિક્રિયા આપી છે.