રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. એવામાં અમદાવાદથી આવી જ એક બાબત સામે આવી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખીને મંદિરના ઓટલા બેઠેલા યુવકની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં સાબરમતી પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ રહેલો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં સાબરમતી પોલીસ દ્વારા પકડવા આરોપીઓના નામ અજય ઉર્ફે ચકો ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ અને કાર્તિક રાજપુત રહેલ છે. આ ત્રણેય ઓગણજ, સાબરમતી અને ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે.
તમને જણાવી દઈએ કે, 6 જુલાઈ 2024 ના રોજ આ ત્રણેય આરોપીઓ દ્વારા અન્ય એક આરોપી સાથે એકઠા થઈને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જાણકારી મુજબ, આ ત્રણેય દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ રાણીપમાં સરસ્વતીનગર વિભાગ-૨ પાછળ મહાકાળી માતાના મંદિરના ઓટલા પર બેઠેલા અમરજીત ચૌહાણ નામના 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં રમાકાંત રાજપૂત નામના યુવક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઘટનાને લઈને જાણકારી મળી છે કે, 5 જુલાઈ 2024 ના રાત્રીના સમયે રમાકાંત ને ગરમી લાગતી હોવાના લીધે તે રાત્રીના 11 વાગ્યાના સમયગાળામાં ઘરની બહાર મંદિરના ઓટલે બહાર સૂતો હતો. તે સમયે મોડી રાત્રીના તેની બાજુમાં રહેનાર અમરજીત ચૌહાણ પણ તેજ ઓટલા ઉપર સુવા માટે પહોંચ્યો હતો. એવામાં 6 જુલાઈના સવારના 4:30 વાગ્યાના આજુબાજુમાં બૂમાબૂમ થતા તેઓ જાગી ગયા અને જોતા અમરજીત ચૌહાણને ચાર જેટલા ઈસમો દ્વારા તીક્ષણ હથિયાર તેમજ લાકડીઓ થી માર મારવામાં આવી રહ્યો હતો. જેમાં અજય ઠાકોર, રાહુલ ઠાકોર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે યુવકો દ્વારા લાકડીથી આડેધડ માર મારવામાં આવ્યો હતા. ત્યાર બાદ ચારેય શખ્સો નાસી જતા ફરિયાદી અમરજીત ચૌહાણને લઈને હોસ્પિટલ લઈને ગયા હતા.
તેની સાથે અમરજીત ચૌહાણ ને હોસ્પિટલ લઈ જતા દરમિયાન રસ્તામાં રમાકાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તે આ અગાઉ ચાણક્યપુરી ખાતે રહેતો હતો તે સમયે અજય ઠાકોર અને રાહુલ ખિસકોલી સાથે મોટરસાયકલની ચાવી માંગવા બાબતમાં ઝઘડો થયો હતો. ત્યારથી અવારનવાર તેઓ ધમકી ઓ આપતા રહેતા હતા અને તેઓના ભયના લીધે તેણે ત્યાંથી મકાન બદલી સાબરમતી ખાતે રહેવા માટે ચાલ્યો ગયો હતો. ચાર દિવસ અગાઉ અજય ઠાકોર અને રાહુલ તેમજ પપ્પુ ઠાકોર અને કાર્તિક દ્વારા સરસ્વતીનગર ખાતે અમરજીતને મળીને તારા દાણા પાણી ભરાઈ ગયા છે તેવું કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ નિવેદન આપ્યા બાદ અમરજીતને લઈને ફરિયાદી હોસ્પિટલ પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતા આ મામલામાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સાબરમતી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. જેમાં અજય ઠાકોર સામે અગાઉ વાડજ, નારણપુરા અને સોલામાં પાંચ ગુના નોંધાયેલ છે જ્યારે રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ સામે સોલા સાબરમતી વાડજ સહિત નવ ગુના નોંધાયા છે. કાર્તિક રાજપૂત સામે સાબરમતી, નારણપુરા, સોલા સહિત ચાર ગુનાઓ નોંધવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી બે ગાડીઓ જપ્ત કરી પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.