ગાંધીનગરમાં આર્મીના નામથી કાશ્મીરીઓના બોગસ લાયસન્સ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ, જાણો શુ છે સમગ્ર બાબત

ગુજરાતમાં કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારના લોકોના લાયસન્સ બનાવવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આર્મીના નામથી જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના ગાંધીનગર RTOમાં લાયસન્સ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. ગાંધીનગર RTOના એજન્ટ ધવલ રાવત તેમજ સંતોષ ચૌહાણ કાશ્મીરી યુવકોને મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 3 વર્ષથી ગાંધીનગરમાં આવેલા જુદા જુદા કૅન્ટોમેન્ટના સરનામાં પર બોગસ ડોક્યુમેન્ટના આધારે 2 હજારથી પણ વધારે લાયસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા 288થી વધુ લાયસન્સ રિકવર કરવામાં આવ્યા છે. ઓટોમેટિક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ કેટલીક જુદી જુદી વસ્તુઓ પણ પોલીસને મળી આવી છે. જમ્મુ કશ્મીરના વસીમ,નઝીર અને અસફાકના કહેવા પ્રમાણે આ એજન્ટો બોગસ લાયસન્સ બનાવતા હતા. ત્યારે આ ત્રણેય શખ્સો કોઈ દેશવિરોધી તત્વો કે આતંકી સંગઠન સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવા જમ્મુ કશ્મીર ખાતે ક્રાઈમ બ્રાંચની એક ટીમ જશે. તેમજ આ રેકેટમાં ગાંધીનગર RTOના કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, ક્રાઇમ બ્રાંચે RTO એજન્ટ પાસેથી 284 જેટલા બોગસ લાઈસન્સ ડ્રાઇવિંગ, 9 ડુપ્લીકેટ રબબર સ્ટેપ,97 ડુપ્લીકેટ આર્મીની મોટર ડ્રાઇવિંગ બુક, 9 સર્વિસ સર્ટીફિકેટ, 37 ડુપ્લીકેટ નો-ઓબ્ઝક્શન સર્ટી,5 આર્મીના કનર્ફમેશન લેટર, 4 મોબાઈલ ફોન, 3 લેપટોપ તેમજ ડિજિટલ સિગ્નેચર પેન સહિતનો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે…જમ્મુ કશ્મીરના ત્રણ વ્યક્તિ વસીમ,નઝીર અને અસફાકના કહેવા પ્રમાણે આ એજન્ટો બોગસ લાઇસન્સ બનાવતા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.