ઈરાને અમેરિકી મથકો પર મિસાઇલ હુમલો કર્યો અને કહ્યું – આ તો શરૂઆત છે
ઈરાને બુધવારે ઇરાકમાં બે અમેરિકી સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. ગયા અઠવાડિયે અમેરિકાએ બગદાદમાં હવાઇ હુમલો કરીને ઇરાની કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી, ત્યારથી ઈરાન સતત બદલાની વાત કરી રહ્યું હતું. એવામાં ઈરાને ઇરાકમાં યુ.એસ. સૈન્ય મથકો પર મિસાઇલ હુમલો કરીને બતાવ્યું કે તે પીછેહઠ નહીં કરે.
ઇરાને બુધવારે ઇરાકમાં યુ.એસ. સૈન્ય મથકો પર ડઝનેક મિસાઇલો ચલાવી હતી. ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના કમાન્ડરે જણાવ્યું કે ઇરાકમાં અમેરિકન મથક પર હુમલો માત્ર પહેલું પગલું છે. ઈરાનની સરકારી ટીવી ચેનલે રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડરનું નિવેદન પ્રસારિત કર્યું હતું, જોકે તેમનું નામ જાહેર કરાયું નથી.
કમાન્ડરે કહ્યું કે આજનો મિસાઇલ હુમલો માત્ર શરૂઆત છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુરંત જ મધ્ય પૂર્વ ક્ષેત્રમાંથી તેમની સેનાને પાછી ખેંચી લેવી જોઈએ અને તેને અમારી પહોંચની અંદર બિલકુલ ન આવવું જોઈએ. તમને જણાવી દઈએ કે ઈરાનની સંસદે અમેરિકન સૈન્યને મધ્ય પૂર્વમાં આતંકવાદી જાહેર કર્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા પછી ટ્વિટ કર્યું હતું કે ઈરાનથી ઓલ ઇઝ વેલ. ઈરાને ઇરાક સ્થિત બે સૈન્યમથકો પર મિસાઇલો દાગી હતી. આ હુમલામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આપણી પાસે વિશ્વની સૌથી શક્તિશાળી અને સશસ્ત્ર સૈન્ય છે, હું આ અંગે આવતીકાલે સવારે એક નિવેદન જાહેર કરીશ.
ઇરાકમાં મિસાઇલ હુમલો થયા પછી અમેરિકન એવિએશન એડમિનિસ્ટ્રેશનએ અમેરિકન વિમાન માટે ઇરાક, ઈરાન અને ઓમાનના અખાતના હવાઈ ક્ષેત્રના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાન અને સાઉદી અરેબિયાની આસપાસના દરિયાઇ ક્ષેત્રની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડએ પણ ઇઝરાઇલ સહિતના યુએસ પ્રાદેશિક સાથીઓને આ હુમલા અંગે ચેતવણી આપી છે. ઈરાનના મીડિયા અનુસાર આ દેશોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ તેમની જમીન તેહરાન વિરુદ્ધના કોઈપણ હુમલા માટે વાપરવા દેશે તો તે યોગ્ય જવાબ આપશે.