ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી પાર્ટીના નેતાઓ સક્રિય થઇ ગયા છે અને તેમની પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. ત્યારે પાર્ટીઓમાં નેતાઓના પક્ષ પલ્ટો થવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે હવે કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવાનું શરૂ થઇ ગયુ છે. જે હવે કોંગ્રેસના નેતાઓ એક પછી એક ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે.
કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ જતા ગાંધીનગર કમલમ ઓફિસમાં ઢોલ-નગારાં વાગતા જોવા મળી રહ્યા છે, જયારે કોંગ્રેસ કાર્યાલય ખાલીખમ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે હાલમાં આજે કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. જેમને આજે ગાંધીનગરના કમલમ ખાતે પહોંચીને સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા સહિત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેમને કેસરિયા ધારણ કર્યો છે.
આજે કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમારે વિધિવત કેસરિયા કર્યા બાદ ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમને જણાવ્યું હતું કે, પહેલા રાજાનો દિકરો રાજા થતો હતો. આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી.લોહીનું એક પણ ટીપું પડ્યા વિના આખી સરકાર બદલાઈ જાય છે, એનું નામ લોકશાહી છે. રાજનીતિ એ સેવાનો વિષય છે,આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો. તેમને વધુમાં જણાવ્યું હતું કે, મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી વહાવ્યું છે. અને આવા જ કાર્યકર્તાઓને લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું. અબ તો તુફાન હી કરેગા ફેસલા, દિયા વહી જલેગા જીસમે દમ હોગા.
જયારે આ દરમિયાન સી.આર.પાટીલે કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહને ભાજપમાં આવકાર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, આજે જયરાજસિંહ ભાજપ પર વિશ્વાસ મૂકીને તેમની 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં પક્ષમાં જોડાયા છે. જો કે હું અધ્યક્ષ બન્યો હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે કોંગ્રેસ માંથી કોઈને પણ લાવવામાં આવશે નહીં, પરંતુ જયરાજસિંહ અમને મળવા આવ્યા ત્યારે પક્ષમાં અમે બધા સાથે વાત કરીને આ નિર્ણય લીધો છે. જે આટલા બધા આગેવાનો સાથે આવેલી વ્યક્તિને આપણે જવાબદારી વગર ન રાખવા જોઈએ. અને અમારા પક્ષમાં અનેક જગ્યાઓ અને જવાબદારી પડેલ છે. ત્યારે આ બધું પાર્ટીએ નક્કી કરવાનું છે એટલે પાર્ટી નક્કી કરીને તેમને જવાબદારી સોંપશે.