દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનું નવું ગતકડું, પોલીસ પણ જોઇને દંગ રહી ગઈ
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ બુટલેગરો અવનવા ગતકડાં કરીને દારૂ હેરાફેરી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જો કે, આવી પરિસ્થિતિમાં પોલીસ સક્રિયતા દાખવીને બુટલેગરોની મેલી મુરાદ પુરી થાય તે પહેલા જ અટકાવી દેતી હોય છે. જુનાગઢ જીલ્લા પોલીસે આવી જ એક દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ પોલીસે દૂધના વાહનો મારફતે 276 પેટી વિદેશી દારૂ રંગે હાથે પકડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે પકડેલ 276 વિદેશી દારૂની પેટીને બુટલેગરો જૂનાગઢના ગિરનાર દરવાજાથી બહાર ડિલિવરી કરવા માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારે દૂધની ગાડીમાં દારૂની હેરાફેર થતી હોવાની જાણ બી ડિવિઝનના પી.આઈને થતા તેમણે જાંજરડા ચાર રસ્તા પાસે સ્ટાફ ખડકી દીધો હતો. અને ત્યાં વિદેશી દારૂથી ભરેલી દૂધની ગાડીને રોકી હતી. ત્યારે ગાડીનો ડ્રાઇવર કમલેશ નાસી છૂટ્યો હતો. જો કે, તેનો એક સાથી શિવાંગ રાજુભાઇ મહેતાને પોલીસે ઝડપી લીધો હતો. અને પોલીસે દુધની ગાડી કબ્જે કરીને 276 વિદેશી દારૂની પેટી જપ્ત કરી હતી. જેની બજાર કિંમત 13 લાખ રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ થોડા સમય પહેલા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ અમુલ દૂધની ટેન્કરમાં દુધની જગ્યાએ દારૂ ભરીને હેરાફેરી કરવાની ઘટના સામે આવી હતી. અને પોલીસે 15 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. અને હવે જૂનાગઢમાં પણ દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.