કબડ્ડી લીગ: ગુજરાત જાયન્ટ્સ અને યુ મુમ્બા ની મેચ ડ્રો, પોઇન્ટ ટેબલમાં ભારે નુકસાન
પ્રો કબડ્ડી લીગની 8મી સિઝનની 63મી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને યુ મુમ્બાની ટીમો સામસામે આવી હતી. જેમાં બંને ટીમોએ 24-24 પોઇન્ટ મેળવ્યા હતા. જેના કારણે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેચ ટાઈ થવાને કારણે ગુજરાતને પોઈન્ટ ટેબલમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ગુજરાતની ટીમ 23 પોઈન્ટ સાથે 10મા સ્થાને પહોંચી છે. જ્યારે યુ મુમ્બાને પણ નુકસાન થયું હતું. સતત બે ડ્રો બાદ યુ મુમ્બા 31 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
યુ મુમ્બા માટે રેઈડર વી અજિથે 8 પોઈન્ટ બનાવ્યા. જ્યારે રેઈડર અભિષેક સિંહે 4, અજિંક્યએ 3, રિંકુએ 5 જ્યારે હરેન્દ્રએ 2 પોઈન્ટ બનાવ્યા હતા. બીજી તરફ ગુજરાત તરફથી અજય કુમારે 7 અને રાકેશ નરવાલે 6 પોઈન્ટ બનાવ્યા હતા. પ્રથમ હાફમાં ગુજરાત જાયન્ટ્સે ત્રણ પોઈન્ટની સરસાઈ મેળવી હતી. પ્રથમ હાફમાં ગુજરાતનો સ્કોર 13 અને યુ મુમ્બાનો સ્કોર 10 હતો. જ્યારે બીજા હાફમાં યુ મુમ્બાએ શાનદાર પ્રદર્શન કરતા 14 પોઈન્ટ મેળવીને મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી.
બીજા હાફમાં ગુજરાતનું પ્રદર્શન એટલું સારું નહોતું અને માત્ર 11 પોઈન્ટ જ બનાવી શક્યું હતું. બીજા હાફમાં ગુજરાતે 6 અને યુ મુમ્બાએ 8 રેઈડ પોઈન્ટ બનાવ્યા હતા. જ્યારે ગુજરાતે 4 ટેકલ પોઈન્ટ અને યુ મુમ્બાએ 6 ટેકલ પોઈન્ટ બનાવ્યા હતા.
વર્તમાન ટુર્નામેન્ટ ગુજરાત માટે ખાસ નહોતી. અત્યાર સુધી ટીમે 10 મેચ રમી છે, જેમાં તે માત્ર બે મેચ જીતવામાં સફળ રહી છે. તેને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને 5 મેચ ડ્રો રહી હતી. બીજી તરફ યુ મુમ્બા માટે ટૂર્નામેન્ટ મિશ્ર રહી છે. ટીમે અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાં તેણે 3 જીતી છે અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે યુ મુમ્બાએ પણ 5 મેચ ડ્રો રહી છે.