Gujarat

ગુજરાતમાં આ તારીખે થશે ખેલ મહાકુંભનું આયોજન, તમે પણ કરાવો રજીસ્ટ્રેશન

ગુજરાત રમત ગમત ક્ષેત્રે ખૂબ આગળ વધે અને ગુજરાતના લોકો તંદુરસ્ત રહે તે હેતુથી વર્ષ 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનું અયીજન કર્યું હતું. અને ત્યારથી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ પરંપરાને આગળ ધપાવતા ગુજરાત સરકાર ખેલ મહાકુંભ 2022નું આયોજન કરી રહી છે. ગુજરાતના યુવાનો ઉત્સાહપૂર્વક ખેલ મહાકુંભમાં નોંધણી કરાવે તેમજ તેમાં ભાગ લે એ માટે રાજ્યના યુવાનોને ગુજરાત સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રમતગમત, યુવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સરકારના આ આયોજનમાં રાજ્યના તમામ યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લે તે અત્યંત જરૂરી છે. ચાલુ વર્ષે 29 જેટલી રમતોને ખેલમહાકુંભમાં શામેલ કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ 14 માર્ચ 2022 થી 1 મે 2022 ખેલ મહાકુંભની સંભવિત તારીખ હોઈ શકે છે તેવું પણ જણાવ્યું હતું.હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ હતું કે, રમત ગમત ક્ષેત્રે ગુજરાત રાજયના યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતના તે વખતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન સમયના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની વર્ષ 2010માં શરૂઆત કરી હતી.

જેનો મુખ્ય હેતુ લોકોમાં રમતગમત માટે જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાય તેમજ રમતગમતની સંસ્કૃતિનો ખૂબ વિકાસ થાય તે હતો. અને આ જ હેતુને ધ્યાને રાખીને ગ્રામ્યકક્ષાએથી લઈને રાજ્યકક્ષા સુધીની અનેક રમતગમત સ્પર્ધાઓનું આયોજન ગુજરાત સરકાર સતત કરી રહી છે. ચાલુ વર્ષે યોજાનાર આ ખેલમહાકુંભમાં 29 જેટલી રમતોને શામેલ કરવામાં આવી છે.આ વર્ષે યોજાનાર ખેલમહાકુંભની અંદાજીત તારીખ 14 માર્ચ 2022 થી 1 મે 2022 હોવાનું સરકારનું સંભવિત આયોજન છે.

મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યુ હતું કે, 5 જાન્યુઆરી 2022ના રોજ ખેલમહાકુંભનું ખૂબ સરસ આયોજન થાય તે હેતુથી રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે અમદાવાદ ખાતે વ્યાયામ શિક્ષકો,શક્તિદૂત ખેલાડીઓ,એસોસિએશનના પદાધિકારીઓ તેમજ કોચીઝ પાસેથી સૂચનો મેળવવા માટે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

17 ફેબ્રુઆરી 2022ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભના ભવ્ય આયોજન માટે “કર્ટેન રેઇઝર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અંદાજે ૩,૭૫,૦૦૦ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, 2,67,881 લોકોએ khelmahakumbh.gujarat.gov.in પર અત્યાર સુધીમાં નોંધણી કરાવી લીધી છે. ચાલુ વર્ષે પણ ગુજરાત રાજ્યના યુવાનો ઉત્સાહપૂર્વક નોંધણી કરાવે અને આ ખેલ મહાકુંભમાં ભાગ લે તે માટે હું ગુજરાત રાજ્યના યુવાનોને નમ્ર અપીલ કરું છું.