150 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર મહિલાની સુરતથી કરાઈ ધરપકડ
મુંબઈ GST વિભાગના અધિકારીઓ તેમજ મુંબઇ પોલીસે સાથે મળીને સુરતમાંથી ગુરુવારે બપોરના સમયે એક મહિલાની અટકાયત કરી હતી. મહારાષ્ટ્રમાં આ મહિલા દ્વારા જીએસટીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. અને ત્રણ મહિના પહેલાં જ આ મહિલા પતિ સાથે સુરત ખાતે રહેવા આવી હતી. બાતમીના આધારે અધિકારીઓ તેમજ પોલીસે મહિલાના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારે આ મહિલાના ઘરમાંથી અધિકારીઓએ કરોડો રૂપિયાની રોકડ રકમ તેમજ જ્વેલરી પકડી પાડી છે.
તપાસ દરમિયાન મહિલાએ મોડી રાત્રે પોતે બીમાર હોવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા મહિલાને ખાનગી એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ જવામાં આવી હતી. તપાસ દરમિયાન હજુ પણ કરોડો રૂપિયાનું કૌભાંડનો ભાંડો ફૂટે તેવી સંભાવના છે. આ મહિલા સુરત શહેરમાં પોતાનું ખોટું નામ બતાવીને રહેતી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના પોશ વિસ્તારમાં ગુરુવારે બપોરના રોજ મુંબઈની વિભાગના અધિકારીઓ તેમજ પોલીસે સાથે મળીને દરોડા પાડયા હતા. ત્રણ મહિના પહેલા સુરત ખાતે વસવાટ કરવા આવેલ પ્રિમા માત્રે નામની એક મહિલાએ મુંબઈમાં 150 કરોડ રૂપિયાનું GSTનું કૌભાંડ આચર્યું હતું. અને આ મહિલા ઘણા લાંબા સમયથી ફરાર હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસને આ મહિલાની જાણકારી મળતા જ ગત રોજ બપોર બાદ મહિલાના ઘરે દરોડા પાડીને ઝડપી પાડવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ મહિલા સુરત ખાતે પોતાની ઓળખ છુપાવીને ભાડાના મકાનમાં રહેતી હતી. જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ મહિલાના ઘરે તપાસ કરતા કરોડો રૂપિયા તેમજ મોટા પ્રમાણમાં જ્વેલરી પણ મળી આવી હતી.
નોંધનીય છે કે, પોલીસ અને અધિકારીઓએ આ મહિલાની વધુ પૂછપરછ શરૂ કરતાં જ મહિલાએ બીમાર હોવાનું બહાનું કાઢ્યું હતું. જેને લઇને અધિકારીઓ દ્વારા મહિલાને ખાનગી એમ્બ્યુલન્સમાં મહિલાને મુંબઈમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં ખાસ ખસેડી હતી. મુંબઇ ખાતે આવ્યા બાદ મહિલાની આજ રોજ વહેલી સવારથી જ સારવાર શરૂ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, અધિકારીઓ દ્વારા બીજા દિવસે પણ મહિલાના ઘરે તપાસ શરૂ રખાઈ હતી. ત્યારે મહિલાના ઘરમાંથી એક મહારાષ્ટ્ર પાસિંગની લક્ઝુરિયસ કાર મળી હતી. આ કેસમાં જીએસટીના અધિકારીઓ કોઈ પણ પ્રકારની માહિતી આપી રહ્યા નથી. શંકા છે કે આ મહિલાના ઘરેથી હજુ પણ વધુ રોકડ મળી શકે છે.