Gujarat

પંચમહાલ: લગ્નના દિવસે દીકરીની ડોલીને બદલે અર્થી ઉઠી

આ દુનિયામાં કોઈ પણ જીવ અમરપાટો લઈને આવ્યું નથી. આપણે એ વાતનો સ્વીકાર કરવો જ પડશે દરેકનો અંત નિશ્ચિત છે. પરંતુ ઘણી વખત મોત એવા સમયે આવતું હોય છે કે લોકોનું કાળજું કંપી ઉઠતું હોય છે. આવીજ એક ઘટના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામે બની છે. જ્યાં લગ્નના દિવસે જ કન્યાનું બ્લડ પ્રેશર ઓછું થતા અવસાન થયું હતું. આ ઘટનાને લઈને સમગ્ર પરિવાર તેમજ ગામ શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર, ઘોઘંબા તાલુકામાં આવેલ કંકોડાકોઈ ગામે વસવાટ કરતા ચન્દ્રસિંહ સોલંકીના દીકરીના લગ્ન વડદલા ગામે વસવાટ કરતા દેવેન્દ્રસિંહ સાથે નક્કી થયા હતા. સામાજિક રીત રિવાજ મુજબ ગણેશ સ્થાપના અને બીજી તમામ વિધિઓ 21 અને 22 જાન્યુઆરીના રોજ પુરા હર્ષોહલ્લાસ સાથે પુરી કરવામાં આવી હતી. અને 23 જાન્યુઆરીના રોજ વંદના કુંવરબા અને દેવેન્દ્રસિંહ બંને પ્રભુતામાં પગલાં પાડીને એક નવા જીવનની શરૂઆત કરવાના હતા.

પરંતુ કુદરતને કદાચ આ પસંદ ના હોય તેમ જાન આગમનના થોડાજ કલાકો પહેલા કન્યાનું બ્લડ પ્રેશર ઓછું થઈ જવાના કારણે અવસાન થયું હતું. આ ઘટનાને લઈને સમગ્ર પરિવાર વંદના કુંવરબાનો સમગ્ર પરિવાર તેમજ આખું કંકોડાકોઈ ગામ શોકમાં ગરકાવ થઇ ગયું હતું.આ અંગે વંદના કુંવરબાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, લગ્નના આગલી રાત્રે એટલે કે 22 જાન્યુઆરીના રોજ રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વંદના કુંવરબા ખુબ જ નાચ્યાં હતા. ત્યારબાદ લગ્નના દિવસે ઘરના સભ્યો જાન આગમનની તૈયારીઓમાં લાગેલા હતા. આ સમય દરમિયાન કુંવરબાને અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા.

જેને કારણે તેમને તાત્કાલિક ઘોઘંબા ખાતે રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબે વંદના કુંવરબાની તાપસ કરીને બ્લડ પ્રેશર ઓછું થઇ જવાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ વાત સાંભળતા જ તમામ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને સમાચાર સાંભળીને સમગ્ર પરિવાર અને ગામ શોક મગ્ન બન્યું હતું.