IndiaPolitics

મુંબઈમાં ‘FREE KASHMIR’ પોસ્ટર દેખાતા ફડણવીસે ઉદ્ધવને કહ્યું, આવું કેમ સહન કરો છો ?

JNUમાં રાત્રે થયેલ હિંસા દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઇ રહયા છે ત્યારે મુંબઈમાં પણ આ હિંસા સામે ચાલી રહેલા વિરોધ દર્શાવતા એક પોસ્ટરથી રાજકીય હંગામો મચી ગયો છે. આ પોસ્ટરમાં ‘FREE KASHMIR’ મોટા અક્ષરોમાં લખાયેલું હતું. આ પોસ્ટરની ટીકા ફક્ત ભાજપ દ્વારા જ નહીં, પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ કરવામાં આવી છે.ફિલ્મ હસ્તીઓએ પણ પૂછ્યું કે આવા વિરોધ પ્રદર્શનમાં આ પોસ્ટરનો શું મતલબ છે? મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ પોસ્ટર અંગે મહારાષ્ટ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું છે કે શું તેઓ કાશ્મીર મુક્ત ભારત વિરોધી અભિયાન સહન કરે છે.

આપને જણાવી દઈએ કે જેએનયુ હિંસા વિરુદ્ધ રવિવાર રાતથી મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયા પર વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિદ્યાર્થીઓ, કલાકારો અને સમાજના અન્ય લોકો જેએનયુમાં હિંસાના પીડિતો સાથે પહોંચીને સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યાં છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સોમવારે સાંજે અહીં પ્રદર્શન દરમિયાન એક છોકરીના હાથમાં પોસ્ટર નજરે પડ્યું હતું.

આ પોસ્ટરમાં અંગ્રેજીમાં મોટા અક્ષરોમાં ‘FREE KASHMIR’ લખાયેલું હતું. આ પોસ્ટર મીડિયા અને સોશ્યલ મીડિયામાં આવતાની સાથે જ વાઇરલ થઇ ગયું હતું અને લોકોની પ્રતિક્રિયાઓ ચાલુ થઇ ગઈ હતી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ તસવીરને ટ્વીટ કરીને રાજ્ય સરકાર સામે સવાલો કર્યા છે. તેમણે લખ્યું કે આ વિરોધ શા માટે છે? અહીં કેમ મુક્ત કાશ્મીરના નારા લગાવવામાં આવી રહ્યા છે? અમે મુંબઇમાં આવી અલગતાવાદી શક્તિઓને કેવી રીતે સહન કરી શકીએ?”

ફડણવીસે રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલયથી માત્ર 2 કિલોમીટરના અંતરે આઝાદી ગેંગ ફ્રી કાશ્મીરના નારા લગાવી રહ્યા છે. ઉદ્ધવ જી, શું તમે આ મુક્ત કાશ્મીર ભારત વિરોધી અભિયાનને તમારી સામે સહન કરો છો?