×
CrimeAhmedabadGujarat

અમદાવાદના પોશ વિસ્તાર શીલજમાં 5 લાખ માટે ભત્રીજાએ ફુવાને મોતને ઘાટ ઉતાર્યા

Ahmedabadના શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઈટ્સ સોસાયટીમાં સંબંધોને શરમાવે તેવી હત્યાની ઘટના સામે આવી છે. પૈસાની લાલચમાં એક ભત્રીજાએ પોતાના જ ફુવાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મંગળવારે સવારે મનીષ ચોકસીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા Bopal Police Stationએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી વ્રજ સોનીને Udaipurથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઈ ચોકસી પોતાના પુત્ર સમર્થ અને સાળાના દીકરા વ્રજ સાથે રહેતા હતા. ઘટના સમયે મનીષભાઈની પત્ની તિરુપતિ ખાતે મેડિટેશન માટે ગયા હતા, જ્યારે તેમનો પુત્ર કામસર સ્ટુડિયોમાં હતો. મંગળવારે સવારે સમર્થ ઘરે પરત ફર્યો ત્યારે પિતાનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ જોઈ પરિવાર પર આફત તૂટી પડી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, FSL અને ડોગ સ્કવોડની ટીમ સ્થળ પર પહોંચી તપાસમાં જોડાઈ હતી. સોસાયટીના CCTV ફૂટેજ તપાસતા સામે આવ્યું કે આરોપી વ્રજ સોની ઘરમાંથી આશરે પાંચ લાખ રૂપિયા લઈને ફરાર થઈ રહ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વ્રજ થોડા દિવસ પહેલા જ પોતાની માતા સાથે ઝઘડો કરીને મનીષભાઈના ઘરે રહેવા આવ્યો હતો. ઘરમાં મોટી રકમ જોતા તેની નિયત બગડી ગઈ હતી. રૂપિયા હડપ કરવા માટે તેણે મનીષભાઈ પર જીવલેણ હુમલો કર્યો અને તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને હત્યાના ગુનામાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.