GujaratInternational

ભારતમાં યુવાનોને પૂરતી તકો નથી મળતી એટલે વિદેશ જાય છે: પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે અમદાવાદ ખાતે સરદારધામમાં ઇ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે નિતિન પટેલે કેનેડામાં મૃત્યુ પામેલ ગુજરાતીઓને લઈને નિવેદન આપ્યું હતું. અને કહ્યું કે, આપણા દેશના લાખો યુવાનો એમરીકા અને કેનેડા જેવાં દેશમાં જવા માટે પ્રયાસ કરે છે. પરંતુ કેટલાક લોકો જ્યારે કાયદેસર રીતે નથી જઇ શકતા ત્યારે તેઓ ટૂંકો રસ્તો અપનાવીને ગેરકાયદેસર રીતે જવાનો પ્રયાસ કરે છે.

ત્યારે હું સરકારને કહેવા માગું છું કે, સરકાર દેશમાં જ એવી તકો ઉભી કરે જેના કારણે દેશના યુવાનોનો વિદેશ જવાનો મોહ ઓછો થાય.નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, વર્ષોથી ઘણા લોકો વિદેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. અને તેને કારણે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. માટે લોકોએ વિદેશ કાયદેસર રીતે જ જવું જોઈએ.

નીતિન પટેલે અમેરિકાની ઘટનાને લઈને જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી કલોલના એક પરિવારના 4 લોકો ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન તે લોકોનું મોત નીપજ્યું હોવાની ઘટના અંગે જાણવા મળ્યું હતું.ત્યારે આ ઘટનાને લઈને ગત રાત્રિથી અમે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી. જો કે, તે પરિવારના ઘુમ થયા હોવાની માહિતી સાચી છે.

ગુજરાતીઓના અમેરિકા જવાના ગાંડપણ વિશે નીતિન પટેલે કહ્યું હતું કે, દેશના યુવાનોને ભારતમાં પૂરતી તકો મળતી ના હોવાથી તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશમાં જતા હોય છે. માટે સરકાર ભારતમાં જ એવી તકો ઉભી કરે જેનાથી દેશના યુવાનોનો વિદેશ જવાનો મોહ ઓછો થાય.