10 મિનીટમાં પાઈલોટે 2 વાર મોતને માત આપી, જુઓ વિડીયો
અમેરિકાના લોસ એન્જલસમાં એક નાના પ્લેનના પાયલોટે થોડી જ મિનિટોમાં બે વાર મોતને માત આપી. રવિવારે આ પ્લેન રેલ્વે રોડ પર ક્રેશ થયું હતું. પાયલોટ આ દુર્ઘટનામાં બચી ગયો હતો અને પછી પોલીસે તેને પાટા પરથી હટાવવાની તત્પરતા દાખવતાં તે પેસેન્જર ટ્રેનની ટક્કરથી બચી ગયો હતો. ‘બોડીકેમ વીડિયો’માં અધિકારીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત ‘સેસ્ના 172’ એરક્રાફ્ટના કોકપિટમાંથી લોહીથી લથપથ પાયલટને બહાર કાઢતા જોવા મળે છે.
પોલીસ કેપ્ટન ક્રિસ્ટોફર જીને જણાવ્યું હતું કે પેકોઇમાના સાન ફર્નાન્ડો ખીણમાં વ્હાઇટમેન એરપોર્ટથી ઉડાન ભરેલું સિંગલ-એન્જિન વિમાન રેલવે ક્રોસિંગ પર તરત જ ક્રેશ થયું હતું. અકસ્માતની થોડી જ મિનિટોમાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાર્જન્ટ જોસેફ કેવસ્ટનીએ કહ્યું કે તેણે મેટ્રોલિંકને ટ્રેનની તમામ ગતિવિધિઓ બંધ કરવા વિનંતી કરી હતી, પરંતુ આવું થયું નહીં.
ઓફિસર ક્રિસ્ટોફર એબોયેટે કેએબીસી-ટીવીને જણાવ્યું હતું કે તેઓ શરૂઆતમાં ક્રેશ થયેલા વિમાનના પાયલટને એલર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે કોકપિટની અંદર ફસાયેલા હતા. ઓફિસર રોબર્ટ શેરોકે કહ્યું કે થોડા સમય પછી ઘંટીઓ નો અવાજ સંભળાયો હતો અને ફ્લેશિંગ લાઈટો ટ્રેનના આગમનનો સંકેત આપે છે. તેણે કહ્યું કે અમે એક ટ્રેનને ખૂબ જ ઝડપે અમારી તરફ આવતી જોઈ.ઓફિસર ડેમિયન કાસ્ટ્રોએ ‘KNBC-TV’ને જણાવ્યું કે આટલા વર્ષોની તાલીમ કામમાં આવી. તેણે કહ્યું કે આવા સમયે તમારી પાસે વિચારવાનો બહુ સમય નથી, તમારે બસ આગળ વધવાનું હોય છે.