
જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ગુજરાતમાં ચોમાસું હજુ પૂરજોશમાં જામ્યું નથી. જોકે હવે વરસાદની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે 2 જુલાઈથી રાજ્યમાં મેઘરાજા સક્રિય થવાની આગાહી કરી છે. ખાસ કરીને 2થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં લગભગ 80 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દરમિયાન આજે સાંજે 6 વાગ્યા બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.
આજે 29 જૂનની વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બપોર બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા અને મોણપર ગામમાં વરસાદ નોંધાયો હતો. ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા, સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.
ગઈકાલે 28 જૂને ભાવનગરના જેસર તાલુકામાં દેપલાથી જેસર જતાં માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઈવે પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ડાંગ, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનશે. ખાસ કરીને 2 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. 2થી 5 જુલાઈ દરમિયાન કેટલાક જિલ્લાઓ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજદિન સુધી સરેરાશ 104 મીમી વરસાદ થવો જોઈએ હતો, પરંતુ અત્યાર સુધી માત્ર 18 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે ગુજરાતમાં હાલ લગભગ 80 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે.વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી છૂટાછવાયા વરસાદને કારણે લાંબા સમયથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.