ભારે કરી: રાજકોટમાં વિચિત્ર ચોરી, મોબાઈલ દુકાનમાં ચોરી કર્યા બાદ ચોરો ફરસાણની દુકાનમાંથી લાડવા, ગાંઠિયા અને પાપડીઓ પણ ચોરી ગયા..
કોરોના વાયરસની લહેરની વચ્ચે સતત ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે ફરસાણ અને મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કુવાડવામાં મોડી રાત્રીના ચોરીની ઘટના બની છે. તેમાં પણ વિચિત્ર બાબત જોવા મળ્યું છે. ચોરો ફરસાણની દુકાનમાંથી લાડવા, ગાંઠિયા અને પાપડી પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના કુવાડવા વિસ્તારમાં 4 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. તેમણે મોબાઈલ ફોનની દુકાન તેમજ ફરસાણની દુકાનો સહિત કુલ 3 દુકાનના તાળા તોડીને ચોરી કરી હતી. આ ચોરી દરમિયાન આ ઘટનામાં તસ્કરો મોબાઈલની સાથે-સાથે લાડવા, ગાંઠિયા અને પાપડી પણ ચોરીને ફરાર થઈ ગયા હતા. તેની સાથે તસ્કરો દ્વારા પોતાના બચાવ માટે પથ્થર પણ સાથે રાખવામાં આવેલ હોવાનું CCTV માં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
તેની સાથે એક બાબત સામે આવી છે કે, મોબાઈલ અને ફરસાણની દુકાનોમાં ચોરી કરવા માટે પહેલાથી જ તૈયારીઓ કરી આવ્યા હોય તેવું જોવા મળ્યું છે. કેમકે ચોરી કરતા સમયે ચોરો પથ્થરની થેલી ભરીને સાથે લઈને આવ્યા હતા. શટર તોડતા સમયે પથ્થરો બાજુમાં મૂકેલા જોવા મળ્યા હતા. આ સિવાય તસ્કરો દ્વારા બીજી વખત મોબાઇલ અને ફરસાણની દુકાનમાં ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.