CM રૂપાણીના રાજકોટમાં જ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 134 બાળકોના મોત
રાજસ્થાનના કોટાની એક હોસ્પિટલમાં બાળકોના મોતની પ્રક્રિયા હજી અટકી નથી કે ગુજરાતના રાજકોટમાં નિર્દોષ બાળકોના મૃત્યુની ઘટના પણ પ્રકાશમાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં 134 બાળકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે, બાળકોના મોતનું કારણ કુપોષણ, જન્મ પછીનો રોગ, અકાળ જન્મ, માતા પોતે કુપોષિત હોવાનું જણાવાય છે.કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા તમામ બાળકો નવજાત હતા. હોસ્પિટલની એનઆઈસીયુમાં 2.5 કિલોથી ઓછા વજનવાળા બાળકોને બચાવવા માટેની સુવિધાઓ અને ક્ષમતા નથી.
જો કે જણાવી દઇએ કે રાજસ્થાનના કોટામાં બાળકોના મોતની પ્રક્રિયા અટકતી જ નથી. જે.કે. લોન હોસ્પિટલમાં બાળકોના મોતની સંખ્યા રવિવારે વધીને 110 થઈ ગઈ છે. હોસ્પિટલમાં 100 થી વધુ બાળકોના મોત બાદ સરકારે તપાસ પેનલની નિમણૂક કરી હતી. નિષ્ણાતોની ટીમે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે હાઈપોથર્મિયા (શરીરનું તાપમાનનું અસંતુલન) ના કારણે બાળકોનાં મોત નીપજ્યાં છે. હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ પણ આનું કારણ હોઈ શકે છે.
અમદાવાદ સિવિલમાં પણ આ જ સ્થિતિ છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 3 મહિનામાં 256 બાળકોનાં મોત નિપજ્યા છે. આમ ગુજરાતમાં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ યોગ્ય કામગીરી જણાતી નથી.ગુજરાતમાં અમેરિકા કરતા સારી સુવિધા હોવાની વાત કરનારા નેતા પણ હવે કંઈ બોલવા તૈયાર નથી.