GujaratRajkotSaurashtra

રાજકોટ: એક યુવકે પેટ્રોલપંપ પર આત્મવિલોપનનો કર્યો પ્રયાસ અને પછી..

તમે કેનાલમાં પડીને કે પછી ગળે ફાંસો ખાઈને કોઈએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું એવું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય એવુંય સાંભળ્યું છે કે, એક યુવાને પેટ્રોલ પમ્પ પર જઈને જાહેરમાં પોતા પર જ્વલનશીલ પ્રવાહી નાખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવું સાંભળ્યું છે. રાજકોટ શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટના રૈયા રોડ પાસે આવેલ ન્યારા પેટ્રોલપંપ પર એક મયુર નામના યુવકે ગઈ કાલે રાત્રે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું. અને દિવાસળી ચાંપીને આઅત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, પેટ્રોલ પંપ પર હાજર લોકોએ સતર્કતા દાખવીને આ યુવાનને આમ કરતા રોક્યો હતો અને તેનો જીવ બચાવી લધો હતો. આત્મહત્યા કરનાર યુવાનનો આક્ષેપ હતો કે, થોડા દિવસ અગાઉ પેટ્રોલપંપના સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. હાલ પોલીસે આત્મહત્યા કરનાર મયુરની અટકાયત કરી લીધી છે. અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પેટ્રોલપંપના CCTVમાં આ સમગ્ર ઘટનાના દૃશ્યો કેદ થયા છે.

પેટ્રોલપંપના CCTV વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે મયુર જ્યારે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી રહ્યો હતો ત્યારે એક યુવાન તેને રોકવાનો પ્રયાસ કરતા નીચે લાપસી પડી ગયો હતો. જો કે, તેણે ફરીથી ઊભા થઈને મયૂરને દીવાસળી ચાંપતા રોક્યો હતો. અને બાદમાં પેટ્રોલપંપ પર ફરજ બજાવતા સ્ટાફના લોકો તેમજ અન્ય લોકોની સતર્કતાને કારણે મયુરને દીવાસળી ચાંપતા રોકીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આમ મયૂરનો જીવ બચાવીને પેટ્રોલપંપ પર એક મોટી જાનહાની થતા ટળી હતી. બાદમાં આ સમગ્ર બાબત અંગે પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, અને મયુરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આત્મવિલોપન કરનાર મયૂરે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવવા આવ્યો હતો. અને બાદમાં તે પેશાબ કરવા માટે શૌચાલયમાં ગયો હતો. પથરીની બીમારી હોવાથી તેને થોડો સમય લાગ્યો હતો. જેને કારણે પેટ્રોલપંપ સંચાલકે તેને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેણે આ મામલે પોલીસને અરજી પણ કરી હતી. જો કે, કોઈ કાર્યવાહી ના થતા તેણે આ પગલું ભર્યું હતું.

મયુરના આક્ષેપ બાદ પેટ્રોલપંપના સંચાલક કિરીટભાઈ પટેલે આ મામલે જણાવ્યું હતું કે, અમે મયુરને માર ન્હતો માર્યો, પરંતુ તેણે ગાળો બોલી હતી જેને કારણે થોડી ઝપાઝપી થઈ હતી. અને ત્યારે પણ પોલીસ બોલાવાઈ હતી. જોકે મયુર તે સમયે હોસ્પિટલનું બહાનું કરીને ચાલ્યો ગયો હતો. જે દિવસે ઝપાઝપી થઈ હતી તે દિવસે મયુર પોતે કેશુભાઈ પટેલના ભત્રીજાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું.