રાજકોટ: PSI ની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા નિર્દોષનું મોત, મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, મૃતકની ગર્ભવતી પત્ની પર આભ ફાટ્યું
રાજકોટમાં બુધવારે એસટી બસસ્ટેશનની પોલીસ ચોકીમાં PSI પી.પી. ચાવડા રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ભૂલથી ફાયરીંગ થતા હિમાંશુ ગોહેલ ને કપાળમાં ગોળી વાગી હતી. હિમાંશુ નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નિર્દોષ રીતે મોતને ભેટેલા હિમાંશુનો પરિવાર લાશ સ્વીકારવા તૈયાર નથી. જણાવી દઈએ કે મૃતક હિમાંશુની પત્નીને ત્રણ માસનો ગર્ભ છે. પત્ની કરૂણ આક્રંદ કરી રહી છે કે ગોળી ચલાવનાર PSI ને મારી સામે લાવો.
પીએમ રૂમ પર મોટી સંખ્યામાં પરિવારજનો ઉમટ્યા છે અને મહિલાઓ આક્રંદ કરી રહી છે.હિમાંશુની પત્ની ની હાલત પણ બગડી રહી છે અને બહેન કહી રહી છે કે મારો ભાઇ જતો રહ્યો, બધાને બહેનો હોય છે. જેનો ભાઇ જાયને તેને ખબર હોય છે. હિમાંશુની બહેન હાથમાં ખોલો પાથરીને પોલીસ સામે ન્યાયની ભીખ માંગતી હતી.
જો કે પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી.પોલીસ સમજાવી રહી છે પરંતુ પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી છે.હિમાંશુના પરિવારે પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાની વાત કરી છે.પરિવાર દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાની પણ તૈયારી કરવામાં આવી છે.
પીએસઆઇ ચાવડાએ કહ્યું કે હિમાંશુ મારા પરિચયમાં હતો અને ચોકી પર મળવા આવ્યો હતો. સાંજે ચારેક વાગ્યે જૂના વોલેટમાંથી રિવોલ્વર કાઢી નવા વોલેટમાં નાખી રહ્યા હતા ત્યારે ભૂલથી જ ફાયર થઇ ગયું હતું. મહત્વની વાત એ છે કે જયારે ગોળી છૂટી બરાબર એ જ સમયે હિમાંશુ ચોકીમાં પ્રવેશ્યો હતો અને ગોળી સીધી કપાળ પર વાગી ગઈ હતી. હિમાંશુ નું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.હાલ તપાસ ચાલી રહી છે કે મિસફાયર થયું હતું કે ખરેખર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.