GujaratRajkotSaurashtra

રાજકોટ SOGએ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની કરી ધરપકડ

રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા નામના ગામ ખાતે આવેલા એક બસ સ્ટેન્ડ નજીકથી રિઝવાન છાંટબાર નામના આરોપીની મેફેડ્રોન ડ્રગના 45.8 ગ્રામના જથ્થા સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તમાસમાં સામે આવ્યું કે, મુંબઈના માહીમ વિસ્તારમાંથી આરોપી આ ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપીએ કબુલ્યું કે તે અત્યાએ સુંદજી ત્રીજી વખત આ મેફેડ્રોન ડ્રગ મુંબઈથી અહીં લાવ્યો છે. ત્યારે હાલ તો વીરપુર પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ અંતર્ગત આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ગોંડલ તાલુકા પોલીસને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. પોલીસે કુલ 4,67,300નો મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ SOGને તેમના બાતમીદારોએ બાતમી આપી હતી કે, જેતપુર ખાતે વસવાટ કરતો રિઝવાન છાંટબાર નામનો યુવક પ્રતિબંધિત નશાકારક દ્રવ્યનો જથ્થો લઈને મુંબઈથી જેતપુર ખાતે આવી રહ્યો છે. ત્યારે SOGની ટીમે બાતમીના આધારે રિઝવાન છાંટબાર માટે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વીરપુર ખાતેથી જેતપુર બાજુ જતા પીઠડીયા નામના ગામના નેશનલ હાઈવે રોડ પર બસ સ્ટેન્ડ નજીક SOGની ટીમે રિઝવાન છાટબારની તપાસ કરી હતી જે દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવતા SOGની ટીમે તેની ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. અને તે આ ડ્રગ્સ ક્યાંથી લાવીને કોને આપતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ પહેલા એનડીપીએસ એકટ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે.