રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું : માત્ર છ કલાકમાં ૯ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ગાડીઓ પાણીમાં થઈ ગરકાવ
રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ગીર સોમનાથના તાલાલા તેમજ અમરેલીના ધારી, બોટાદના ગઢડામાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના ધોરાજીમાં વરસાદે જબરદસ્ત જોર પકડ્યું છે. ધોરાજીમાં માત્ર છ કલાકના સમયગાળામાં નવ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. એવામાં છેલ્લા બે કલાકમાં તો છ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ધોરાજીના બહાર પુરા ખ્વાજા સાહેબ દરગાહ પાસે ભારે વરસાદના લીધે ગાડીઓ પાણી ગરકાવ થઈ ગઈ છે. તેની સાથે ધોરાજી કુંભારવાડા, રામપરા, બહાર પુરા વિસ્તારો બેટમા ફેરવાઈ ગયા છે.
તેની સાથે જ ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ વરસાદી માહોલ બન્યો છે. ભારે વરસાદના તલાલા પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સિવાય વરસાદના લીધે તાલાલા ગીરથી પસાર થઈ રહેલી હીરણ નદીમાં પૂર આવી ગયું છે. નદીમાં પાણીની આવકમાં વધારો થતા નદી બે કાંઠે વહેવા લાગી છે.
આ સિવાય અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ બન્યો છે. લાંબા વિરામ બાદ ધારીના ગ્રામીણ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેની સાથે ગોપાલગ્રામ અને દહિડા ગામમાં પણ ભારે વરસાદના લીધે ગોપાલ ગ્રામમાં નદી-નાળાઓ છલકાઈ ગયા છે. આ સિવાય બોટાદના ગઢડામાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તેના લીધે અનેક જગ્યાએ ગઢડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.