
રાજ્યભરના વાલીઓ માટે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વધુ એક આર્થિક બોજ વધ્યો છે. CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજે યોજાયેલી એસોસિએશનની બેઠકમાં સ્કૂલ વાનના ભાડામાં ₹200 અને સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં છેલ્લે સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે એસોસિએશને આગામી ત્રણ વર્ષ સુધી વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે 2027 સુધી ભાડામાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ત્યારબાદ CNGના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં પરિવહન ખર્ચ વધી ગયો છે. 2024માં CNGનો ભાવ આશરે ₹76 પ્રતિ કિલો હતો, જે હાલમાં વધીને ₹88 સુધી પહોંચી ગયો છે.
બીજી તરફ, રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે. સરકારી, અર્ધસરકારી અને ખાનગી શાળાઓમાં ફરી વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા મળી રહી છે. નવા સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વધતી મોંઘવારી, ઇંધણ ખર્ચ અને વાહન સંચાલકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસોસિએશનનું કહેવું છે કે વધતા ખર્ચ વચ્ચે હાલના ભાડે વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું.
નવા દર મુજબ હવે સ્કૂલ રિક્ષાનું ભાડું ₹750ના બદલે ₹850 થશે, જ્યારે સ્કૂલ વાનનું ભાડું ₹1200થી વધીને ₹1400 કરવામાં આવ્યું છે. આ વધારાને કારણે વાલીઓ પર સ્કૂલ ફી, યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક ખર્ચ ઉપરાંત પરિવહન ખર્ચનો પણ વધારાનો બોજ પડશે.
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે CNGના ભાવમાં સતત વધારો થતાં વાહનચાલકો માટે ખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો હતો. તેથી સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100 અને મારુતિ વાનના ભાડામાં ₹200નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ભાવવધારા સમયે CNGનો ભાવ ₹76 હતો, જે હવે ₹88 સુધી પહોંચી ગયો હોવાથી ભાડામાં સુધારો કરવો અનિવાર્ય બન્યો છે.