સાંઈબાબા નું ધામ શિરડી આવતીકાલથી બંધ, ઉદ્ધવ ઠાકરેના નિવેદનને લીધે લેવાયો નિર્ણય
શિરડી નું સાંઈબાબાનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. લાખો શ્રદ્ધાળુઓ દરરોજ તેના દર્શને આવે છે પણ આપને જાણીને આંચકો લાગશે કે શિરડી રવિવારથી અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે.શિરડી ના લોકોએ આ નિર્ણય લીધો છે અને એની પાછળ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ આપેલું નિવેદન જવાબદાર છે.ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થાન કહ્યું હતું. ઠાકરે એ કહ્યું હતું કે પાથરીને સાંઈની જન્મભૂમિ તરીકે વિકસાવવા 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક સભામાં કહ્યું હતું કે પાથરી ગામમાં જે જગ્યાએ સાંઈ બાબાનો જન્મ થયો હતો ત્યાં 100 કરોડ રૂપિયાના કામ કરીશું.આ જાહેરાત બાદ પાથરી ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પણ શિરડી ના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. શિરડી ના લોકોએ આ નિવેદનના વિરોધમાં શિરડી ને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
શિરડીને રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે.જો કે સાંઈ બાબનું મંદિર ખુલ્લું રહેશે. પણ શહેરમાં એક પણ દુકાન, હોટલ અને આશ્રમ ખુલ્લા રહેશે નહિ.એટલે ત્યાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તે નક્કી છે.આજે શિરડી માં આ બાબતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
જો કે ગ્રામજનોએ લોકોને શિરડી ન આવવા પણ સૂચન કર્યું છે કેમ કે ત્યાં બંધ હોવાથી લોકોને મુશ્કેલી થઇ શકે છે. ગ્રામજનો કહે છે કે પથરીમાં 100 નહીં 200 કરોડના કામ કરો પણ સાઈબાબા ની જન્મભૂમિ પાથરી નથી તે સ્પષ્ટ કરો.ભાજપના નેતા પણ આ મામલે લડી લેવાના મૂડમાં છે ત્યારે કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે પાથરી માટે નાણાં પૂરા પાડવાના સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો.