દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી પોતાનો લોગો બદલશે
સુરત તેમજ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી એવી સુમુલ ડેરીમાં વિવાદમાં સપડાઈ છે. સુમુલ ડેરી દ્વારા વેચાણ થતા ગાયના દૂધના પેકિંગ પર શ્રી કૃષ્ણ ભગવાનનો ગાય સાથેનો ફોટો મુકવામાં આવતા સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનોની લાગણી દુભાઈ છે. આ અંગે સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનોએ વિરોધ કરતા સુમુલ ડેરીના સંચાલકોએ કહ્યું છે કે, આ ફોટોને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાથી અમે જલ્દીથી આ ફોટો હટાવી લઈશું.
પ્રાપ્ત માહિતી અનુસાર , ગુજરાતની સૌથી મોટી ડેરીઓમાંની એક અને સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટું નામ ધરાવનાર સુમુલ ડેરી હાલ વિવાદમાં આવી છે. સુમુલ ડેરી ઘણા વર્ષોથી ગાયના દૂધનું વેચાણ કરે છે. ત્યારે સુમુલ ડેરીના સંચાલકો ગાયના દૂધનું જે પ્લાસ્ટિક પેકિંગમાં વેચાણ કરે છે તે પેકિંગ પર શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો હોવાના કારણે સ્થાનિક હિન્દૂ સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને દૂધની કોથળી પરથી ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો હટાવવા માટે સુમુલ ડેરીના સંચાલકોને રજુઆત કરવામાં આવી છે.
આ મામલે વિરોધ કરનાર ગૌરક્ષક મંચના ધર્મેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, સુમુલ ડેરી ગાયના દૂધને જે પ્લાસ્ટિકના પેકિંગમાં વેચાણ કરે છે, તે પેકિંગ પર શ્રી કૃષ્ણ ભગવાનના ગોવાળિયાની પ્રતિકૃતિ પ્રિન્ટ કરી છે. તેમણે કહ્યું કે, થેલીમાંથી દૂધ એકવાર બહાર કાઢી લેવામાં આવે ત્યારબાદ એ પ્લાસ્ટિકની થેલીને લોકો કચરામાં ફેંકી દેતા હોય છે. જે ભગવાનનું અપમાન કરવા બરાબર છે. માટે સુમુલ ડેરીના સંચાલકો સાથે આ મુદ્દે રજુઆત કરવામાં આવી છે. અને તાત્કાલિક ધોરણે ગાયના દૂધની થેલી પરથી ભગવાન શ્રી કૃષ્ણના ફોટોને હટાવવાની માંગ કરી છે.
સમગ્ર મામલે સુમુલ ડેરીના આગેવાને જણાવ્યું હતું કે, ખોટી રીતે આ વિવાદ ઉભો કરાઈ રહ્યો છે. ગાયના દૂધની થેલી પર શ્રી કૃષ્ણ ભગવાન નહીં પરંતુ એક બાળક, મોરપીંછ તેમજ ગાયનો ફોટો મુકવામાં આવ્યો છે. તેમ છતાં જો લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો અમે આ મુદ્દે વિચારીને યોગ્ય નિર્ણય કરીશું. તેમણે કહ્યું કે, અગાઉ પણ આ બાબતને અમારા ધ્યાને લાવવામાં આવી હતી.પરંતુ કોરોના મહામારીના કારણે તેને લઈને કોઈ નિર્ણય અમે કરી શક્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે, સુમુલ ડેરી પાસે હાલ આગામી બે મહિનાનો સ્ટોક છે. માટે આગામી બે મહિના સુધી પેકિંગ પર આ ફોટો રહેશે ત્યારબાદ અમે તેને દૂર કરવાની ખાતરી આપીએ છીએ.