સુરત: પતંગની દોરીએ લીધો યુવતીનો જીવ, હજુ ૬ મહિના પહેલા જ સગાઈ થઈ હતી

ઉત્તરાયણના પર્વની આપણે બધા આતુરતાથી રાહ જોતા હોય છે. તેને આપણે ધામ-ધામથી ઉજવીએ પણ છીએ. પરંતુ ઉત્તરાયણ પર્વ દરમિયાન અનેક દુઃખદ ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે આજે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરત શહેરમાં પતંગની દોરી યુવતીના ગળાના ભાગમાં વાગી જતા યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મહિલા ના ગળાના ભાગમાં અચાનક દોરી આવી જતા તે ગંભીરરીતે ઈજાગ્રસ્ત બાદ મોત ભેટી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલા અમૃત રેસીડેન્સી માં રહેનાર 22 વર્ષીય દિક્ષિતા ઠુંમર પોતાનું સ્કૂટર લઈને નાના વરાછા બ્રિજ ઉપર થી જઈ રહી હતી. તે સમયે અચાનક પતંગની દોરી આવી જતા દીક્ષિતા નું ગળું કપાઈ જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્ત યુવતીને ૧૦૮ એમ્બ્યૂલન્સ દ્વારા તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. તે દરમિયાન હાજર રહેલા તબીબો દ્વારા યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી.
જાણકારી મુજબ, દીક્ષીતાને નાની બહેન ક્રિનલ અને ભાઈ રોમિત રહેલ છે. દિક્ષિતા બીકોમનો અભ્યાસ કરી ચુકેલી છે. જ્યારે તે IELTS ની તૈયારીઓ કરી રહી હતી. આ સાથે દિક્ષિતાના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિક્ષિતાની છ મહિના પહેલા જ સગાઈ કરવામાં આવી હતી. બુધવારના રોજ કોઈ ફંકશન ના લીધે તે વહેલી નીકળી હતી. સાંજનો સમય હોવાના પતંગની દોરી દેખાઈ નહોતી. તેના લીધે આ ઘટના સર્જાઈ હતી.