સુરત શહેરમાં વધુ એક ક્રાઇમની ઘટના આવી સામે, જાણો
છેલ્લા ઘણા દિવસથી સુરત શહેરમાં વધી રહેલા ગુનાખોરીના પ્રમાણને લઇને સુરત શહેરમાં હાલ ડર અને ભયનો માહોલ છે સુરતમાં ગુંડારાજ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે એ એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં કેટલાક ઇસમો દુકાનમાં રૂપિયાની માંગણી કરી રહ્યા છે. અને પૈસા ના આપતા તે ઈસમો નાની દુકાનમા તોડફોડ કરવા લાગ્યા હતા. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સ્થાનિક પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલ કાપોદ્રા વિસ્તારમાં દારૂનો ગેરકાયદેસર રીતે વેપાર કરતા બુટલેગરે અશ્વિની કુમાર રોડ નજીક આવેલ જળક્રાંતિ મેદાન પાસેની દુકાનવાળા પાસે રૂપિયા એક લાખ માંગણી કરી હતી. જ્યારે દુકાનદારે બુટલેગરને રૂપિયા આપવાની ના પાડી ત્યારે આ બુટલેગર તેના સાથીદારો સાથે દુકાન પર પહોંચી ગયો હતો. અને દુકાન પર લાકડીઓ વડે તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર છેલ્લા ઘણા દિવસોથી ક્રાઈમ સીટી બની ગયું છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક ક્રાઇમની ઘટનાઓ બની રહી છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આજે ફરી આવી જ એક ઘટના સામે આવતા પોલીસ તંત્ર પર અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે.